ગુજરાત
News of Saturday, 14th December 2019

બોપલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડનો અંતે પર્દાફાશ થયો

બુકી સહિત ૧૦ શખ્સોની ધરપકડ કરી લેવાઈઃ ઝડપાઈ ગયેલા શખ્સો પાસે ૮૮ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત : બુકીઓ સાથે સંબંધના મામલે ઉંડી તપાસ

અમદાવાદ, તા.૧૪ : શહેરના સાઉથ બોપલમાં આવેલા એક ફ્લેટમાં ચાલતા હાઇ પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. બોપલ પોલીસે કેટલાક બુકી સહિતના દસ આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી ૮૮ મોબાઇલ ફોન સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની તપાસમાં આરોપીઓ દ્વારા બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ) પર ક્રિકેટ સટ્ટો બોબડી લાઇન પર રમાતો હોવાની વિગતો સામે આવી છે. મોડી રાતે પોલીસે કરેલા ક્રિકેટ સટ્ટાના પર્દાફાશમાં મોટા ગજાના બુકીઓની સંડોવણી તેમજ ઇન્ટરકનેક્શનલ લિંક સામે આવે તેવી શક્યતા હોઇ સમગ્ર મામલે જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે, સાઉથ બોપલમાં આવેલ ઓર્ચિડ એલિગન્સ એપાર્ટમેન્ટના ઇ બ્લોકના ફ્લેટ નંબર-૬૦૩માં મોટા પાયે કેટલાક લોકો ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે.

                બાતમીના આધારે એ.એમ. બ્રહ્મભટ્ટે તેમની ટીમ તૈયાર કરી હતી અને ભારે ગુપ્તતા સાથે ફ્લેટ નંબર-૬૦૩માં મોડી રાતે દરોડા પાડ્યા હતા. દરોડા પાડતાંની સાથે ફ્લેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફ્લેટમાં ૧૦ બુકીઓ હતા, જે બોબડી લાઇનથી ગ્રાહકોને ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. પોલીસે દરોડા દરમિયાન ૮૮ મોબાઇલ ફોન, પાંચ લેપટોપ તેમજ બે એલઇડી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામની ધરપકડ કરી હતી.  થોડાક દિવસ પહેલાં બુકીઓએ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ટી-ર૦ ઉપર પણ ક્રિકેટ સટ્ટો રમાડ્યો હતો, જેમાં તેમણે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું જ્યારે હાલ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ચાલી રહી છે, જેમાં તે ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. પોલીસે દસેય બુકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે ક્રિકેટ સટ્ટા બેટિંગનો કારોબાર ચલાવનાર મિલન ઠક્કરના ઇશારે આ રેકેટ ચાલતું હતું. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ પૈકી ધવલ ઠક્કર બોબડી લાઇન ચલાવતો હતો. બોબડી લાઇન એટલે જો કોઈ બુકીને બોબડી લાઈનની સર્વિસ જોઈતી હોય તો તે ઓપરેટરનો મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરે છે.

              ત્યાર પછી ઓપરેટર તેને એક સિમકાર્ડ કુરિયર કરે છે. મેચ શરૂ થાય એટલે બુકી એ સિમકાર્ડ દ્વારા ઓપરેટરને ફોન જોડવાનો રહે છે. ફોન જોડાય તે સાથે તેણે પોતાના મોબાઇલને મ્યુટ કરી દેવો પડે છે. મેચ દરમિયાન ફોન ચાલુ રહે છે અને સામા છેડેથી બોબડી લાઈન ઓપરેટર સતત સ્કોર અને તેના ભાવ બોલતો રહે છે. આ સર્વિસ મેળવવા માટે બુકીને દર મહિને ૧પ૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાહુલ ભરતભાઇ ઠક્કર, ધવલ ગોવિંદભાઇ ઠક્કર, ધીમંત પ્રદીપભાઇ શિલુ, નરસંગ લખીલરામ બ્રાહ્મણ, મિહિર રમેશભાઇ ઠક્કર, અણમોલ રમેશકુમાર ઠક્કર, કૃણાલ ભરતભાઇ ઠક્કર, કલ્પેશ હસમુખ ઠક્કર (તમામ રહે. ઇ-૬૦૩, ઓર્ચિડ એલિગન્સ), ધીરેન તેજચંદ ઠક્કર (રહે. શક્તિનગર-થરા, બનાસકાંઠા) અને કિશોર કુશાલદાસ ગંગવાણી (રહે. ગાયત્રી મંદિર, નવા ડીસા)નો સમાવેશ થાય છે.

સટ્ટાકાંડની સાથે સાથે...

*        અમદાવાદના બોપલમાં મોટા સટ્ટાકાંડનો પર્દાફાશ કરાયો

*        બુકી સહિત ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી

*        બાતમીના આધારે તપાસ કરાયા બાદ નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો

*        અનેક બુકીઓ સાથે કનેક્શન હોવાની પણ સંભાવના

*        ઝડપાયેલા શખ્સો પાસેથી ૮૮ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

*        બાંગ્લાદેશ પ્રિમીયર લીગ ઉપર સટ્ટો ચાલી રહ્યો હતો

*        ઓર્ચિડ એલિગન્સ એપાર્ટમેન્ટના ઇ બ્લોકના ફ્લેટ નંબર-૬૦૩માં મોટા પાયે કેટલાક લોકો ક્રિકેટ સટ્ટો

(9:42 pm IST)