ગુજરાત
News of Friday, 14th December 2018

સુપ્રીમના ચુકાદાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી : જીતુ વાઘાણી

જીતુ વાઘાણીના કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો : કોંગ્રેસના નેતાઓએ પોતાના શબ્દો પાછા ખેંચીને નૈતિકતા દર્શાવી જાહેરમાં માફી માંગવી જોઇએ : જીતુ વાઘાણીની માંગ

અમદાવાદ,તા.૧૪ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે શ્રી કમલમ ખાતે ઇલેકટ્રોનિક મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટે આજે સમગ્ર રાષ્ટ્રના સંવેદનશીલ મુદ્દા રાફેલ ડીલ ઉપર એક મહત્વનો ચૂકાદો આપ્યો છે, જેથી સાબિત થાય છે કે પારદર્શકતા પૂર્ણ રાફેલ ખરીદી કરાર થયેલ છે. ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતના કોંગ્રેસના નેતાઓ જ્યારે આ મુદ્દા ઉપર દેશના સપૂત એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ખોટા આક્ષેપો પર આક્ષેપો કરીને બદનામ કરવાના તથા કઠેડામાં ઉભા કરવાના નિરર્થક પ્રયાસો કોંગ્રેસ કરી રહી હતી ત્યારે, સુપ્રિમ કોર્ટે આજના ચૂકાદામાં જણાવ્યુ છે કે, રાફેલ ડીલમાં તમામ પ્રક્રિયા યોગ્ય થયેલ છે, કિંમત યોગ્ય છે તથા પાર્ટનર પસંદગીમાં સરકારનો કોઇ રોલ નથી. સરકારની અણીશુધ્ધતા તથા પારદર્શકતા ઉપર સુપ્રિમ કોર્ટે મહોર મારી છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આવા રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે દેશના કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેરમાં ખોટા નિવેદનો કરીને દેશના સૈનિકોનું મોરલ ડાઉન કર્યુ છે, દેશની જનતાને ગેરમાર્ગે દોરી છે તેમજ દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાનું પાપ કર્યુ છે ત્યારે, કોંગ્રેસના નેતાઓએ પોતાના શબ્દો પાછા ખેંચીને નૈતિકતા બતાવતાં જાહેરમાં માફી માંગવી જોઇએ તેવી અપેક્ષા રાખુ છું. વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જેની ગળથુથીમાં જ જુઠ્ઠાણા અને કૌભાંડ છે ત્યારે વચેટીયાઓ દ્વારા બોફોર્સ, અગષ્તા વેસ્ટેલેન્ડ જેવા અનેક કૌભાંડો આચરનાર કોંગ્રેસ સરકાર સામે હાલની ભાજપાની કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે આવા વચેટીયાઓને દૂર કર્યા છે ત્યારે કોંગ્રેસને તેમના કરેલા પાપો તેમને યાદ આવવા જોઇએ. આ મુદ્દે દેશને છેતરવાનો રાહુલ ગાંધી અને સમગ્ર કોંગ્રેસના પ્રયાસ તદ્દન નિષ્ફળ ગયો છે. સુપ્રિમ કોર્ટના આજના ચૂકાદાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયુ છે ત્યારે, કોંગ્રેસે દેશની સુરક્ષા બાબતે નૈતિક હિમ્મત દાખવીને જનતાની માફી માંગવી જોઇએ. વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે જ્યારે કોંગ્રસ સત્તામાં આવી છે ત્યારે ભાગબટાઇ કરીને હંમેશા પોતાના ઘર ભરવાના જ કાર્યો કરતી રહી છે, ક્યારેય સત્તાનો સદૂપયોગ કરીને જનતાની સેવાકાર્યો કર્યા નથી. તેની સામે ભાજપાની સરકાર હંમેશા સર્વસ્વીકૃત નિર્ણયો લઇને જનતાની સેવાકાર્યો કરતી આવી છે.

ગુજરાતના કોંગ્રેસના પ્રમુખને જણાવતા કહ્યુ હતુ કે, અગાઉ કોંગ્રેસની નીતિ-રીતિથી ત્રસ્ત એવા કોંગ્રેસના જ નેતાઓ પાર્ટી છોડીને ભાજપામાં આવ્યા છે, કોંગ્રેસના મહત્વના આંદોલનો તથા કાર્યક્રમોમાં જ્યારે તેમના જ કાર્યકરો અને નેતાઓ નજરે પડતા નથી. વિરોધ પક્ષના નેતાના ઉપવાસ આંદોલનમાં પણ ૨૦ ધારાસભ્યો પણ ભેગા કરી ન શકનારી કોંગ્રેસ દ્વારા આજે ભાજપાના નેતાઓ તેમના સંપર્કમાં છે તેવું કહેનાર કોંગ્રેસની દયા આવે છે તથા  આના જેવી બીજી કોઇ હાસ્યાસ્પદ બાબત નથી. વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, ચૂંટણી સમયે હંમેશા જુઠ્ઠાણા ફેલાવી દેશની જનતાને ગેરમાર્ગે દોરનારી કોંગ્રેસ હાલમાં જસદણની પેટા ચૂંટણી ચાલી રહી છે ત્યારે ખેડૂત તથા અનામત જેવા અનેક મુદ્દે કેટલાક જ્ઞાતિસમુહને ભોળવવાના પ્રયાસ કરી રહી છે. અનામત મુદ્દે ઓબીસી અને પાટીદાર સમાજને નિયમ વિરૂધ્ધ અનામત અપાવવાના જુઠ્ઠાણા ફેલાવીને કોંગ્રેસ છેતરી રહી છે અને યેનકેન પ્રકારે જસદણ પેટા ચૂંટણી ટાણે કોંગ્રેસ હવામાં હવાતિયા મારે છે ત્યારે કોંગ્રેસને જો અનામત અપાવવા સક્ષમ હોય તો કોંગ્રેસના પ્રદેશ પ્રભારી, કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા તથા તેમના મળતિયા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાતની જનતાને જણાવે કે કેટલા ટકા અનામત કઇ શ્રેણીમાં કયા જ્ઞાતિસમુહને આપશે?

(8:41 pm IST)