ગુજરાત
News of Friday, 14th December 2018

ગરીબોને ઓછી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ ઉપર પાણીઢોળ કરતી FRC

ભાજપ સરકારની સૌથી શ્રેષ્ઠ શિક્ષણ યોજના ઉપર આખરે : તોતીંગ ફી વધારો ઝીંકી ફી ઘટાડવાનો ડોળ કરતી ફી કમીટી : ફી પ્રશ્ને કોઈ સ્પષ્ટ વલણ ન થતાં પહેલાની જેમ ખાનગી શાળા સંચાલકો પાસે લૂંટાતા વાલીઓ : ભારે રોષ

રાજકોટ, તા. ૧૪ : ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારે ગરીબ લોકોના સંતાનો શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તે માટે ખાસ ફી નિર્ધારણ અધિનિયમ ખરડો વિધાનસભામાં પસાર કર્યો હતો. બે વર્ષ બાદ ગરીબ વિદ્યાર્થીઓને સારી ખાનગી શાળાઓમાં ઓછી ફી કે નિયત ફીમાં સારૂ શિક્ષણ મેળવવાનું માત્ર સ્વપ્ન જ બની રહ્યું છે.

રાજકોટ સ્થિત ફી નિર્ધારણ સમિતિના અસ્પષ્ટ વલણ અને નીતિને કારણે છેલ્લા બે વર્ષથી લાખો વાલીઓ તોતીંગ ફીના ભરડામાં તેના સંતાનને સારૂ શિક્ષણ આપી શકતા નથી. માત્ર ખાનગી શાળાના સંચાલકોએ કરેલી સમજૂતી પૂર્વકની દરખાસ્તમાં મામુલી કાપ દર્શાવીને ફી વધારો મંજૂર કર્યો છે. ફી નિર્ધારણ સમિતિની નીતિથી વાલીઓમાં પ્રચંડ રોષ ફેલાયો છે. બે દિવસ પૂર્વે વાલી મંડળે અને ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા ફી નિર્ધારણ સમિતિ સમક્ષ હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો.

ગત શનિવારે ફી નિર્ધારણ સમિતિએ ૩૧ ખાનગી શાળાઓની ફીની માહિતી કોઈ સત્તાવાર રીતે નહિં, પરંતુ સોશ્યલ મીડિયામાં જાહેર કરી હતી. જેમાં અનેક બાબતે ભારે અસમંજસ પ્રવર્તતી હતી. ફી નિર્ધારણ સમિતિએ તા.૭-૧૨-૨૦૧૮ના જાહેર કરેલ યાદી મુજબ રાજકુમાર કોલેજને અઢી કરોડ રીફંડ કરવાનો હુકમ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલને ૭૫ લાખ રીફન્ડ કરવાનો હુકમ સહિત પોદાર ઈન્ટરનેશનલ સ્કુલ, નોર્થ સ્ટાર સ્કુલ, ટી.એન. રાવ સ્કુલ, આત્મીય સ્કુલ સહિત અનેક ખાનગી શાળાઓમાં ફી ઘટાડો કર્યાની વિગત અને રીફન્ડ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ રીફન્ડ કયારે અને કઈ સ્કુલની કેટલી ફી ઘટી તેની વિગત આપી ન હતી. આખરે વાલી મંડળ અને કોંગ્રેસના આકરા વલણથી ફી કમીટીએ તાબડતોબ ૩૧ ખાનગી શાળાઓની કયા ધોરણમાં કેટલી ફી અને કેટલી ફી મંજૂર કરી છે તેની વિગત દર્શાવતું માળખુ જાહેર કર્યુ છે.

ગઈકાલે ફી નિર્ધારણ કમીટીએ ટી. એન. રાવ સ્કુલ, લોટસ ઈંગ્લીશ સ્કુલ, સેટેલાઈટ સ્કુલ, એમ. એચ. પટેલ હાઈસ્કુલ, એન્ડ રવિવિદ્યાલય, પાલવ પ્રાઈમરી સ્કુલ, અક્ષર પ્રાઈમરી સ્કુલ, વિજન્સ સ્કુલ, ટાઈમ્સ સ્કુલ, સનફલાવર સ્કુલ, સાગર પ્રાઈમરી સ્કુલ, સનફલાવર સ્કુલ (કનકનગર), આત્મીય શિશુ વિદ્યામંદિર, આત્મીય શીશુ વિદ્યા મંદિર (સીબીએસસી), સુહૃદ બાલમંદિર, આત્મીય સ્કુલ ઓફ સાયન્સ, સર્વેશ્વર વિદ્યા મંદિર, શુભમ સ્કુલ, શ્રી હરિ સ્કુલ, રાજમંદિર માધ્યમિક શાળા, બી. કે. ઈંગ્લીશ, એસ. કે. પી. સ્કુલ, પતંજલી પ્રિ પ્રાઈમરી સ્કુલ (ઈંગ્લીશ મીડીયમ), પતંજલી પ્રાઈમરી સ્કુલ, પતંજલી સ્કુલ ઓફ સાયન્સ, ન્યુ ફલોરા સ્કુલ, તપન સ્કુલ, પંચશીલ સ્કુલ, રાજકુમાર કોલેજ, નોર્થ સ્ટાર સ્કુલ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ, પોદાર ઈન્ટરનેશનલ સ્કુલમાં નર્સરી, એલ. કે. જી. એન્ડ એચ.કે.જી. ધો.૧, ધો.૨ થી ૮ તેમજ ધો.૯ થી ૧૦ અને ધો.૧૧,૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ફીનું માળખુ જાહેર કર્યુ છે.

વાલીઓમાં ચર્ચાતી વિગતો મુજબ ફી નિર્ધારણ કમીટીએ ખાનગી શાળાઓની ફી વધારાની દરખાસ્તમાં ૧૦૦૦-૧૫૦૦ કે ચારેક હજારનો વધારો કરવાની નોંધ મૂકી હતી અને ફી નિર્ધારણ કમીટીએ તેમાં ૧૦૦૦ કે ૩૦૦૦નો ઘટાડો કરી ફીનું માળખુ જ જાહેર કર્યુ છે. વાસ્તવમાં ફીની દરખાસ્તનું માળખુ જ અવાસ્તવિક છે. ગત વર્ષની સરખામણીમાં ફીનો વધારો માંગી અને તેમાં નજીવો ઘટાડો કરી વાલીઓ ઉપર તોતીંગ ફી વધારો ઝીંકયો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

વાલીઓ આક્રોશપૂર્ણ રીતે જણાવી રહ્યા છે કે, ફી નિર્ધારણ કમીટીમાં ભાજપના જ અગ્રણી અને ખાનગી શાળાઓ પાસેથી ચૂંટણીફંડ, સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી, શિક્ષકોની હાજરી સહિતની બાબતોમાં સંકલન કરનાર ડી.વી.મહેતા ખાનગી શાળાના સંચાલકો પ્રત્યે કુણુ વલણ ધરાવતા હોય છે.

ભાજપ સરકાર જો ખરેખર ગરીબ લોકોના બાળકોને સારૂ શિક્ષણ આપવા માગતા હોય તો ફી નિર્ધારણ કમીટી ફીનું નિયમન કરી બતાવે તેવી માંગ વાલીઓએ ઉઠાવી છે.

(4:04 pm IST)