ગુજરાત
News of Thursday, 14th December 2017

બનાસકાંઠાના થરાદમા ૮ બોગસ મતદાર જબ્બે

૧.૬૩ ટકા વીવીપેટ બદલાયાઃ આંકલાવ ખાતે વરરાજાનું પહેલા મતદાન

અમદાવાદ, તા.૧૪, રાજય વિધાનસભાની ચૂંટણી માટે આજે હાથ ધરવામા આવેલા બીજા તબકકાના મતદાન દરમિયાન વિવિધ વિસ્તારોમા મળીને ૧.૬૩ ટકા વીવીપેટ બદલવાની ચૂંટણી તંત્રને ફરજ પડી હતી.આ અંગે મળતી માહિતી અનુસાર,આજે સવારથી રાજયની વિવિધ વિધાનસભા બેઠકો માટે હાથ ધરવામા આવેલી મતદાન પ્રક્રીયા દરમિયાન અનેક સ્થળે ઈવીએમ ખોટકાવાથી લઈને વીવીપેટમા ખામી હોવાની ફરિયાદોની સાથે ચૂંટણીતંત્રને ઈવીએમ બ્લૂટ્રુથથી કનેકટ થતુ હોવાની પણ અનેક ફરિયાદો ચૂંટણી તંત્રને મળવા પામી હતી.બીજી તરફ બપોરના સુમારે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈન  દ્વારા યોજવામા આવેલી એક પત્રકાર પરિષદમા તેમણે માહિતી આપતા કહ્યુ કે, ફરિયાદના પગલે કુલ ૧.૬૩ ટકા વીવીપેટ બદલવામા આવ્યા છે.આ સાથે જ તેમણે કહ્યુ કે,બનાસકાંઠાના થરાદમાંથી ૮ જેટલા બોગસ મતદારોને ઝડપી પાડવામા આવ્યા છે.મતદાનની પ્રક્રીયા દરમિયાન પંચ તરફથી ૦.૮૮ ટકા બેલેટ યુનિટ અને ૦.૬ ટકા કંટિરોલ યુનિટ બદલવામા આવ્યા હોવાનુ પણ તેમણે કહ્યુ હતુ. દરમિયાન રાજયમા આજે સવારથી બીજા તબકકાના મતદાનનો આરંભ થયો એ સમયે આણંદ જિલ્લાના આંકલાવ બેઠક માટે જાન લઈને જતા એક વરરાજાએ જાન આગળ વધે તે અગાઉ પહેલા પોતે અને મિત્રો અને સ્વજનો સાથે મતદાન કરી જાનને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

(9:39 pm IST)