ગુજરાત
News of Thursday, 14th December 2017

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ : અનેક મુદ્દાઓ ચર્ચાશે

નોટબંધી અને જીએસટીને લઇને હોબાળો થઇ શકેઃ શિયાળુ સત્ર ૫ જાન્યુઆરી સુધી ચાલશે : વિપક્ષનો સામનો કરવા સરકાર પણ લડાયક : ગુજરાતની પણ ચર્ચા રહેશે

અમદાવાદ, તા.૧૪, સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે જે તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. વિપક્ષ તરફથી સરકારને નોટબંધી, જીએસટી, રાફેલ ડીલ, ખેડૂતો સાથે જોડાયેલા પ્રશ્નોને લઇને ભીંસમાં લેવાના પ્રયાસ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર પણ સત્ર ઉપર દેખાશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું છે કે, સંસદ ચર્ચાના સર્વોચ્ચ સ્થાન તરીકે છે અને સરકાર નિયમો હેઠળ કોઇપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મોદી સરકાર ગરીબલક્ષી સરકાર છે. વિપક્ષે પોતાની વાત રજૂ કરવી જોઇએ અને નિયમો હેઠળ ચર્ચા કરવી જોઇએ. મેઘવાલનું કહેવું છે કે, રાજકીય પક્ષોને અપીલ કરવામાં આવી છે કે, મહત્વના વિધેયક પર ઉપયોગી અને રચનાત્મક ચર્ચામાં સહકાર આપે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી યોગ્યરીતે ચાલે તેના પ્રયાસ થઇ રહ્યા છે. સંસદ સત્રમાં વિલંબને લઇને મોદી સરકાર ઉપર પ્રહારો કોંગ્રેસ દ્વારા પહેલાથી જ કરવામાં આવી ચુક્યા છે. સરકારે શિયાળુ સત્ર ટિકાટિપ્પણી બાદ ૧૫મી ડિસેમ્બરથી બોલાવવાની જાહેરાત કરી હતી. પાંચમી જાન્યુઆરી સુધી સત્ર ચાલનાર છે જેમાં જુદા જુદા મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. જીએસટી અને નોટબંધીને લઇને મોદી સરકાર જોરદાર પ્રહાર કરવા તૈયાર છે. કોંગ્રેસે શરૂઆતથી જ જીએસટી અને નોટબંધીને લઇને ભાજપ ઉપર આક્ષેપો કરતી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવીને જોરદાર વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધી નોટબંધીને લઇને પણ મોદી સરકાર ઉપર પ્રહારો કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં સત્ર દરમિયાન એનડીએ સરકારને કોંગ્રેસ તરફથી વિરોધનો સામનો કરવો પડી શકે છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ, જીડીપી દર, અન્ય આર્થિક મુદ્દાઓ ઉપર પણ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કોંગ્રેસ તરફથી કરવામાં આવી શકે છે.

(9:38 pm IST)