ગુજરાત
News of Thursday, 14th December 2017

અરવિંદ લિમિટેડ દ્વારા હજારો કર્મીઓને ટોકન ગીફ્ટ અપાઈ

અરવિંદ લિ.ની મતદાન જાગૃતિ ઝુંબેશ રંગ લાવી : કર્મચારીઓને મતદાન કરવા માટે નોકરીમાં ત્રણ કલાકની રજા પણ આપવામાં આવી હતી : મતદાન જાગૃતિનો પ્રયાસ

અમદાવાદ, તા.૧૪ : લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પોતાનું મતદાન અચૂક કરે તે જરૂરી છે. લોકશાહીમાં પ્રત્યેક મતદારની ચૂંટણી પ્રક્રિયામાં શ્રધ્ધા જળવાઇ રહે તે પણ એટલું જ ઇચ્છનીય છે. જેના અનુસંધાનમાં અમદાવાદ સ્થિતિ અરવિંદ લિ. દ્વારા તેના કર્મચારીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવાના આશયથી તાજેતરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ હતું. ખુદ કલેકટર કચેરીના કર્મચારી-અધિકારીઓએ ઇવીએમ-વીવીપેટ મશીનના નિદર્શન મારફતે તેના ઉપયોગ સંબંધી જાણકારી અને માર્ગદર્શન કર્મચારીઓને પૂરા પાડયા હતા અને તેઓને સો ટકા મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. અરવિંદ લિ.ની આ મતદાન જાગૃતિ ઝુંબેશ આખરે રંગ લાવી હતી અને અરવિંદ લી. ના મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવનારા દસ હજારથી વધુ કર્મચારીઓને ટોકન ગીફ્ટ આપવામાં આવી હતી.  અરવિંદ લી. દ્વારા તેના કર્મચારીઓને મતદાન કરવા માટે ત્રણ કલાકની રજા પણ આપવામાં આવી હતી. તાજેતરમાં જ અરવિંદ લિ. દ્વારા તેના અમદાવાદ સ્થિત ચાર અને ગાંધીનગર ખાતેના ઉત્પાદન એકમોમાં કામ કરતાં તમામ કર્મચારીઓને સો ટકા મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કંપની દ્વારા કર્મચારીઓ લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે પોસ્ટરો, બેનરો તેમ જ વીડિયો ફિલ્મ દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અરવિંદ લિ. દ્વારા કલેકટર કચેરીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ કર્મચારીઓમાં વીવીપેટ મશીન અંગેની જાણકારી અને જાગૃતિ આવે તે હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા શહેરી મતદારો જયારે મતદાન માટે ઉદાસીન વલણ દાખવી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અરવિંદ લિ.ની આ મતદાન જાગૃતિ ઝુંબેશ લોકશાહી પ્રણાલિમાં સીમાચિહ્નરૂપ  અને ઉદાહરણરૂપ પુરવાર થયુ હતું.

(8:42 pm IST)