ગુજરાત
News of Thursday, 14th December 2017

દમણ:ડાભેલની ચાલીમાંથી માતા-પુત્રની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર

વાપી:દમણના ડાભેલ ખાતે એક ચાલીની રૃમમાંથી માતા-પુત્રીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. આ ડબલ મર્ડર કેસમાં લોકોના નિવેદનો નોંધી આરોપી સુધી પહોંચવા પોલીસે તપાસ આદરી છે. પતિ રાત્રિ ડયુટી પર ગયો અને હત્યારાઓ પત્ની-પુત્રીનું ઢીમ ઢાળી ગયા હતા.

દમણના ડાભેલ ગામે ઘેલવાડ ફળિયામાં સંદિપભાઈની ચાલીમાં સમોદસિંગ પરિવાર સાથે રહે છે. સમોદસિંગ ગઈકાલે કંપનીમાં રાત્રિ ડયુટી પર ગયો હતો. રૃમમાં પત્ની પ્રતિભા (ઉ.વ.૨૯) અને પુત્રી પ્રતિજ્ઞાા (ઉ.વ.૫) એકલા હતા. આજે સવારે સમોદસિંગ નોકરી પરથી રૃમ પર આવ્યો હતો.

તે દરમિયાન રૃમના દરવાજાનો આંકડો માર્યો હતો. સમોદ દરવાજો ખોલી રૃમમાં પ્રવેશ્યો ત્યારે પત્ની અને પુત્રી પથારીમાં સુતા હતા. જો કે નજીકમાં જતા પત્ની અને પુત્રીના નાક અને મોઢામાંથી લોહી નીકળતું જોતા ગભરાઈને આસપાસના લોકોને બોલાવ્યા હતા. માતા અને પુત્રી બંનેના મોત થયા હતા.

ઘટનાને પગલે પોલીસ અધિકારી સહિતના કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. જેમાં પ્રતિભા અને પ્રતિજ્ઞાાના ગળા પર હુમલાના નિશાલ મળી આવ્યા હતા. પોલીસે ચાલીમાં રહેતા લોકો અને સમોદસિંગના નિવેદનો લઈ આરોપી સુધી પહોંચવા કવાયત આદરી છે.

જો કે માતા-પુત્રીની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. ડબલ મર્ડરને લઈ પંથકમાં ચકચાર મચી છે. માતા-પુત્રીની હત્યા અદાવતને કારણે થઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૃ કરી છે.

(5:44 pm IST)