ગુજરાત
News of Thursday, 14th December 2017

મહેસાણાના બિલ્ડર સાથે એન્ટિક સિક્કાના નામે 6 હજાર કરોડની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર સહીત પાંચની ધરપકડ

વાપી:મહેસાણાના બિલ્ડરને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સન ૧૮૩૯નો એક સિક્કો રૃા. ૬ હજાર કરોડામાં આપવાની લાલચ આપી ઠગ ટોળકીએ રૃા.૨.૧૫ કરોડ પડાવી છેતરપિંડી કર્યાના કેસમાં વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગુ્રપે મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી પાસેથી રોકડા રૃા. ૩૧.૧૩ લાખ, સોનાના સિક્કા નંગ ૩, ૧૬ મોબાઈલ, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ૩ વાહનો મળી કુલ રૃા. ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાંચ પૈકી એક આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મહેસાણા ખાતે રહેતા બિલ્ડર ઘનશ્યામભાઈ ભવાનભાઈ પ્રજાપતિને થોડા મહિના અગાઉ તેના મિત્રએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો સન ૧૮૩૯નો એક એન્ટિક સિક્કો (રાઈસ પુલર) ૬ હજાર કરોડમાં આપવાનો છે અને જમશેદપુર સ્થિત લેબમાં સિક્કાની ચકાસણી કરાતા તેની કિંમત રૃા.૧૮ હજાર કરોડ આંકવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

બાદમાં મુખ્ય સૂત્રધાર એવા હાલ ભિલાડ રહેતા નાઝીર એહમદ ઉર્ફે હમીદ ઉર્ફે નવાબા અહેમદ ઉર્ફે બંગાલી સાથે સંપર્ક કરાવ્યો હતો. સસ્તામાં સિક્કો મળવાની લાલચમાં બિલ્ડરે જુદા-જુદા સમયે રૃા.૨.૧૫ કરોડની રકમ ચૂકવી દીધી હતી. જો કે છેવટે બિલ્ડરને સિક્કો અને નાણાં પણ ગુમાવવાનો વારો આવતા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:44 pm IST)