ગુજરાત
News of Thursday, 14th December 2017

બીજા તબક્કાના મતદાન અગાઉ જ વડોદરામાં ગૌતમ પરમાર અને સચિન બાદશાહને ડીસીપી પદે મૂકાયા

ચૂંટણી પચે વિડીયો લેટરથી મધરાતે તાકીદના આદેશ છોડયા : બીજા તબક્કાના મતદાન અગાઉ જ ગોંડલના એસઆરપી કમાન્ડન્ટ અને સીઆઇડી ક્રાઇમના એસપી બદલાયા

રાજકોટ તા.૧૪ : રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવા છતાં વડોદરા શહેરમાં ડીસીપીની મહત્વની જગ્યાઓ ચાર્જથી ચાલી રહ્યાની ચૂંટણી પંચમાં થયેલી રજુઆતનો ચૂંટણીપંચે ગત મધરાતે તાકીદે અમલ કરી બંને જગ્યાઓ સત્વરે ભરવા માટે ગૃહ ખાતાને આદેશ આપતા ગૃહ ખાતાએ આદેશનો અમલ કરી જોઇન્ટ સેક્રેટરી નિખીલ ભટ્ટની સહીથી બે આઇપીએસ અધિકારીઓને તાકીદે વડોદરા ચાર્જ સંભાળવા હુકમ કરેલ છે.

ગોંડલ ખાતે એસઆરપી કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ગૌતમકુમાર એમ. પરમારને વડોદરા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ તરીકે મુકતો હુકમ કર્યો છે. આની સાથોસાથ વડોદરામાં ડીસીપી (એડમન અને હેડ કવાટર) ડીસીપીની ખાલી પડેલી જગ્યાએ સીઆઇડી ક્રાઇમ હસ્તકના ઇકોનોમીક ઓફેન્સ સેલના એસપી સચિન બાદશાહને ચાર્જ સંભાળવા હુકમ કર્યો છે.

ગૃહ ખાતા દ્વારા આ હુકમનો અમલ તાકીદે કરવાનો ચૂંટણી પંચે વિડીયો લેટર દ્વારા બીજા તબક્કાના ચૂંટણી મતદાનને અનુસંધાને હુકમ કરેલ હોય ઉકત બંને અધિકારીઓએ પોતાના ચાર્જ તાકીદે સંભાળી લીધા હતા.

(4:20 pm IST)