ગુજરાત
News of Thursday, 14th November 2019

કાલુપુર ચોખા બજારમાં અનેક દુકાનોના તાળા તૂટતા ચકચાર

તસ્કરો ત્રાટકતાં સ્થાનિક વેપારીઓમાં ફફડાટ : તસ્કરોએ મોટાભાગે તમામ દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી : પોલીસની સીસીટીવીના આધારે વધુ ચકાસણી

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ શહેરના વર્ષો જૂના કાલુપુર ચોખા બજારમાં એક સાથે ૧૭ થી ૨૦ દુકાનોના તાળા તોડી તસ્કરોએ હાથ સાફ કરતાં સમગ્ર વિસ્તામાં અને શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. તસ્કરોએ મોડી રાત્રે એક સાથે ૧૭થી વધુ દુકાનોમાંથી રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી કરી હાથ સાફ કરતાં સ્થાનિક વેપારીઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. દરમ્યાન કાલુપુર પોલીસે બનાવની જાણ થતાં ઘટનાસ્થળે આવી જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ચોખાબજારમાં મોડી રાત્રે ચોરી થઈ હતી પરંતુ જયારે વેપારીઓએ સવારે પોતાની દુકાન ખોલવા આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. આટલા વર્ષોમાં પહેલી વખત ચોખા બજારમાં ચોરીની ઘટના બની છે.

             જેને લઈ ચોખા બજાર બંધ રહ્યુ હતુ અને વેપારીઓએ ઉગ્ર વિરોધ અને રોષ પણ વ્યકત કર્યો હતો. ચોખા બજારના એક વેપારી ગીરધરભાઈએ જણાવ્યું હતું કે સવારે વેપારીઓ દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે ખબર પડી હતી કે ૧૭થી ૨૦ દુકાનોના તાળા તુટેલા હતા. જેથી વેપારીઓએ પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન મદદનીશ પોલીસ કમિશનર જે. કે. ઝાલાએ જણાવ્યું હતું કે ચોખા બજારમાં ચોરી થતા વેપારીઓએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે સ્થળની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચોખા બજારના સીસીટીવી ફૂટેજ લીધા છે. કેવી રીતે ચોરે અંદર આવીને ચોરી કરી છે તે મુદે તપાસ કરાશે. નોંધનીય છે કે, ત્રણથી ચાર શખ્સો મોંઢે રૂમાલ બાંધેલી હાલતમાં સીસીટીવી કેમેરામાં કેદ થયા છે,

               તેથી પોલીસે તેના આધારે હવે આગળની તપાસ હાથ ધરી છે. જો કે, તસ્કરોએ મોટાભાગે તમામ દુકાનોમાંથી રોકડ રકમની જ ચોરી કરી છે.  આશ્ચર્યની વાત એ છે કે, ચોખા બજારની બહાર રાત્રે પણ પેટ્રોલીંગ થતુ હોય છે અને સીકયોરીટી પણ રખાયેલી છે તેમ જ સીસીટીવી પણ છે ત્યારે આટલી સુરક્ષા વચ્ચે તસ્કરો કેવી રીતે ચોરી કરી ગયા તે પણ એક સવાલ છે. ચોખા બજારમાં એક કોમ્પ્લેક્સમાં ૭૨૫ જેટલી દુકાનો આવેલી છે. કાલુપુર પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ આરંભી છે.

(9:37 pm IST)