ગુજરાત
News of Thursday, 14th November 2019

વાવના ઢીમા પ્રતાપપુરા સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતાં આજુબાજુના ખેતરો જળબંબાકાર

કેનાલના ફોટિયામાં ગાબડું પડતાં દસથી બાર ફૂટ કેનાલ તૂટી ગઈ

વાવ તાલુકાના ઢીમા તેમજ પ્રતાપપૂરા સીમમાં નર્મદા કેનાલમાં રાત્રે એક વાગ્યાની આસપાસ અચાનક કેનાલમાં ગાબડું પડતાં આજુબાજુના ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા. ઢીમા પ્રતાપપૂરાની સીમમાં રાત્રે અચાનક નર્મદા કેનાલના ફોટિયામાં ગાબડું પડતાં દસથી બાર ફૂટ કેનાલ તૂટી ગઈ હતી.જેથી ખેતરની અંદર પડેલા જુવાર અને મઠના ડુંગરા પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા હતા.જેમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

  આ બાબતે ખેતર માલિક રાજપૂત દિનેશભાઈ ગણેશભાઈને જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે નર્મદા વિભાગના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી.જોકે જાણ કરવા છતાં નર્મદા વિભાગના કર્મચારીઓ બપોરના ટાઈમે ચેક કરવા આવ્યા હતા ત્યાર સુધી તો હજારો લીટર પાણીનો બગાડ થઇ ચુક્યો હતો અને આજુબાજુના ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા.આ કેનાલ ફાટવાનું મુખ્ય કારણ કેનાલમાં વધારે પડતું પાણી છોડવાના કારણે આ કેનાલ તૂટી હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે ખેડૂત રાજપૂત દિનેશભાઈ ગણેશભાઈ એ જણાવ્યું હતું કે આ જે કેનાલ બનાવવામાં આવી છે તે કેનાલના આગળના ભાગે જે નાળુ ઊંચાણવાળા ભાગમાં મુકતા આ કેનાલ તૂટી ગઈ છે અને આ કેનાલની કામગીરી નર્મદા વિભાગના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને આ કેનાલ બનાવવામાં આવી છે.જેથી વારંવાર કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત્ રહે છે.

(9:27 pm IST)