ગુજરાત
News of Thursday, 14th November 2019

પીપલોદી પાસે ટ્રકની ટક્કરથી પોલીસકર્મી-પતિનું મોત થયું

સાત મહિના પહેલા જન્મેલા ટ્વીન્સે મા-બાપ ગુમાવ્યા : વડવાસાનું દંપતિ હિંમતનગરમાં કાંકણોલ સ્વામિનારાયણ દર્શન કરીને પરત ફરતુ હતુ ત્યારે આઇશર ચાલકે ઉડાવ્યા

અમદાવાદ, તા.૧૪ : પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામનું દંપતી મંગળવારે પૂનમ હોઇ એક્ટિવા લઈ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા ગયુ હતુ ત્યાથી પત્નીને તેમના પિયર સોનાસણ ગામે મૂકવા જતી વખતે હિંમતનગરના પીપલોદી નજીક આયશર ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં સવાર દંપતી નીચે પટકાતાં ઘટનાસ્થળે બંનેના મોત થયા હતા. જો કે, આ પતિ-પત્ની અકસ્માતમાં અકાળે મોતને ભેટતાં સાત મહિના પહેલા જન્મેલા સાત મહિના ટ્વીન્સે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ અક્સ્માતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, મહિલા પોલીસ કર્મીના પરિવારમાં તો જાણે શોકનો માતમ છવાઇ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોમવારે સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે હિંમતનગર જીઆઇડીસીથી સાબરડેરી તરફ જતા સર્વીસ રોડ પર એક્ટીવા નં.જી.જે-૯-સી.યુ-૮૭૭૪ ઉપર જઇ રહેલ જીજ્ઞેશભાઇ ભગાભાઇ પટેલ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એમ.ઓ.બી. બ્રાન્ચમાં ફરજ બજાવતા તેમના પત્ની શીતલબેન પટેલને પીપલોદી નજીક હોન્ડા શોરૂમ પાસે આયશર નં.જી.જે-૯-ઝેડ-૬૪૬૭ ના ચાલકે ટક્કર મારતા જીજ્ઞેશભાઇ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થતા તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ

                   જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત શીતલબેનને ૧૦૮માં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેમનુ પણ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યુ હતુ. આયશર ચાલક અકસ્માત સર્જીને આયશર લઇને ફરાર થઇ ગયો હતો અને ઘટના સ્થળથી થોડેક આગળ આયશર મૂકીને ફરાર થઇ ગયો હતો. હિંમતનગર બીડીવીઝનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અને તેના પતિનુ કરુણ મોત નીપજતા પોલીસ બેડામાં પણ ગમગીની છવાઇ હતી. બંનેની લાશ બુધવારે વડવાસા ગામે લઇ જવાતા માતાના હૈયાફાટ રૂદનથી હાજર સૌ કોઇની આંખો ભીની થઇ હતી. પીએસઆઇ ગઢવીએ અને પોલીસ સ્ટાફે વડવાસા જઇ અંતિમ સંસ્કાર અગાઉ પ્રણાલીગત સલામી આપી હતી. પીપલોદી નજીક અકસ્માતમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટક્કર મારી ભાગી છૂટેલ વાહનની તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળેથી ટર્બો લખેલ પ્લાસ્ટીકનો ટુકડો હાથ લાગ્યા બાદ ૨૦૦ મીટર જેટલા અંતરે અંધારામાં એક આયશર મળ્યુ હતુ જેની જમણી બાજુની હેડલાઇટમાં ફસાયેલ મૃતક શીતલબેનના દુપટ્ટાનો ટુકડા મળી આવ્યો હતો. મૃતક શીતલબેન પટેલ દોઢ માસ અગાઉ જ મેટરનીટી લીવ પરથી હાજર થયા હતા. તેમના પતિ જીજ્ઞેશકુમાર અમદાવાદ એરપોર્ટ પર પ્રાયવેટ આઉટ સોર્સીંગ એજન્સીમાં નોકરી કરતા હતા. સાતેક માસ અગાઉ બાબો-બેબી ટ્વીન્સનો જન્મ થતા પરીવારમાં ખુશાલી આવી હતી. બંને બાળકો શીતલબેનના પિયર સોનાસણમાં હતા. અકસ્માતમાં માતા-પિતાનું મોત નીપજતા વિધવા માતાએ એકના એક પુત્ર અને પુત્રવધુ ગુમાવ્યા છે તો સાત માસના બંને બાળકોએ માતા પિતાની છત્ર-છાયા ગુમાવી છે. આ બનાવને લઇ સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(8:03 pm IST)