ગુજરાત
News of Thursday, 14th October 2021

તહેવારોમાં અમદાવાદની બજારમાં નકલી નોટ ધૂસાડવાનું ષડ્યંત્ર : રામોલ પોલીસે 3.20 લાખની નકલી નોટો સાથે ત્રણ લોકોને ઝડપ્યા

તમિલનાડુના બે યુવક અને અમદાવાદની એક યુવતીની ધરપકડ : નકલી નોટો તમિલનાડુના સેલમથી મંગાવે અને બજારમાં ફરતી કરે છે. શંકા ન જાય તે માટે તેઓ યુવતીઓને સાથે રાખે

અમદાવાદ : રામોલ પોલીસે 3 લાખથી વધારે નકલી મોટો સાથે તમિલનાડુના બે યુવક અને અમદાવાદની એક યુવતીને ઝડપી પાડયા છે. આ આરોપીઓ આગામી સમયમાં તહેવાર હોવાના કારણે અમદાવાદના બજારોમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા

આ અંગે મળતી વિગત મુજબ રામોલ પોલીસને ગતરોજ બાતમી મળી હતી કે કેટલાક લોકો અમદાવાદમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રામોલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બે યુવકો અને એક યુવતી પાસે એક શંકાસ્પદ થેલો મળી આવતા તેમની તપાસ હાથ ધરવામાં આવી અને તેમાંથી 2000ના દરની 3.20 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.

આ કેસમાં પોલીસે અમદાવાદના વિકાસ વનિકર, અલકા જોશી અને મિતેષ વાઘેલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ આ નકલી નોટો તમિલનાડુના સેલમથી મંગાવે છે અને ભારતીય બજારમાં ફરતી કરે છે. શંકા ન જાય તે માટે તેઓ યુવતીઓને સાથે રાખે છે અને તેમના પાસે પણ આ નકલી નોટો બજારમાં ફરતી કરે છે. ઝડપાયેલી યુવતીઓ આ નકલી નોટોના વ્યવસાયમાં ઘણા સમયથી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

(10:19 pm IST)