ગુજરાત
News of Thursday, 14th October 2021

ત્રણ વર્ષની બાળકીને શારીરિક અડપલા કરનાર ઝડપાઈ ગયો

અડપલા કરનાર રિક્ષા ચાલકને પોલીસે ઝડપ્યો : ઘર પાસે રમી રહેલી બાળકીને ફ્રુટની લાલચ આપી હતી

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતમાં મહિલાઓ સલામત હોય તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સ્થિતિ કંઈક અલગ સર્જાઈ રહી છે. રોજબરોજ છેડતી અને બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે. બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી અને તે સમયે નજીકમાં રિક્ષા લઈને બેસેલા એક યુવકે બાળકીને ફ્રુટ આપવાની લાલચ આપી હતી અને રિક્ષામાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાળકીએ પોતાની માતા પાસે જઈને આ અંગેની જાણ કરતા માતાએ આ ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાળકી સાથે અડપલા કરનાર યુવકના કપડાં અને હિલચાલ અંગે પોલીસને માહિતી આપતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં રિક્ષાચાલકનું નામ કલ્પેશ ચાવડા હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે નરોડા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેની સામે પોકસોનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:58 pm IST)