ગુજરાત
News of Thursday, 14th October 2021

પાટણના અનાવાડા રોડ ઉપર પુરઝડપે આવતી જીપે કપડા ધોઇ રહેલ યુવતિ અને ખાટલામાં સુતેલા વૃધ્‍ધને કચડતા બંનેના મોતઃ હિટ એન્‍ડ રનના બનાવથી અરેરાટી

જીપ ચાલક જીપ મુકીને નાસી છૂટયોઃ મકાનમાં ભારે નુકશાન

પાટણ: પાટણ શહેરમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના બની છે. શહેરના જીમખાનાથી અનાવાડા રોડ પર પૂરઝડપે આવી રહેલી જીપે બે લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યાં છે. ધમસમતી આવતી એક ખુલ્લી જીપ ઝૂપડપટ્ટીમાં ધસી ગઈ હતી. જેમાં જીપે પહેલા કપડાં ધોતી યુવતીને કચડી, પછી ખાટલામાં સૂતેલા વૃદ્ધને કચડ્યા હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી.

પાટણ શહેરના અનાવાડા રોડ પર આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. શહેરના અનાવાડા રોડ પર આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતો એક પરિવાર તેનો ભોગ બન્યો છે. આજે સવારે પરિવારના કેટલાક સદસ્યો ઘરની બહાર બેસ્યા હતા. તે દરમ્યાન અનાવાડા રોડ પરથી અચાનક પૂરઝડપે ખુલ્લી જીપ આવી ચઢી હતી. જીપના ચાલકે ગફલત ભરી રીતે જીપ હંકારીને તેને ઝૂપડપટ્ટી વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઘુસાવી હતી. આ સમયે ઘરની બહાર બેઠેલ પરિવારના બે સભ્યોને જીપે અડફેટે લીધી હતી.

જીપની ટક્કરથી કપડા ધોતી યુવતી ઘવાઈ હતી, તો સાથે જ ઘરની બહાર ખાટલા પર સૂતા વૃદ્ધ પણ અડફેટે આવ્યા હતા. બંને જીપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ જતા  ઇજાગ્રસ્ત બે વ્યક્તિને તાત્કાલિક પાટણ સિવિલ અને ત્યાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં બંને વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે.

મૃતકોના નામ

- સહિસ્તા દાદામિયાં સૈયદ (ઉં.વ 20)

- દિલાવર ભાઈ રશીલ બલોચ (ઉં.વ 60)

જોકે, જીપના ચાલક ઘટના સ્થળે જ જીપ મૂકીને ભાગી ગયો હતો. તો બીજી તરફ, અકસ્માતને પગલે એક મકાનને પણ ભારે નુકસાની થઈ હતી.

(5:17 pm IST)