ગુજરાત
News of Thursday, 14th October 2021

ઇન્કલુઝિવ ગ્રોથ-સૌના સાથ સૌના વિકાસના આત્મનિર્ભર ભારતના મંત્ર સાથે વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ઉચ્ચ સ્થાન અપાવ્યું છે : ગુજરાત- કઝાકીસ્તાનના સુદ્રઢ સંબંધો બનાવવા સરકાર સંપૂર્ણ સહયોગ કરશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે કઝાકીસ્તાન સરકારના ભારત સ્થિત રાજદૂત : ભારત ગુજરાત સાથે આઇ.ટી. ટેક્સટાઈલ, અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સ્ટ્રેટીજીક પાર્ટનરશીપ ટાઇ-અપ કરવામાં તત્પરતા દાખવતા કઝાકીસ્તાનના રાજદૂત : આગામી વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૨માં કઝાકીસ્તાનને સહભાગી થવા આમંત્રણ પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

રાજકોટ તા.૧૪ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત કઝાકીસ્તાન રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત શ્રિયુત નુર્લાન ઝાલ્ગાસ્બાયેવ (Nurlan Zhalgasbayev) એ ગાંધીનગરમાં લીધી હતી. 

કઝાકિસ્તાન રાજદૂતે તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાત અંગે પ્રસન્નતા વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીને જણાવ્યું કે, મહાત્મા ગાંધીની આ ભૂમિના દર્શનનું તેમનું સપનું સાકાર થયું છે. 

તેમણે ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વ્યાપાર વણજની ઉત્કૃષ્ઠતાથી દેશમાં  અગ્રીમ સ્થાન મેળવ્યું છે તે માટે અભિનંદન આપતા જણાવ્યું કે, કઝાકીસ્તાન, ભારત અને ગુજરાત સાથે દ્વિપક્ષીય સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઉત્સુક છે.

કઝાકિસ્તાનના રાજદૂતે ૨૦૧૯માં અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ ફોરમનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

તેમણે એ સંદર્ભમાં ઉમેર્યું કે, આ ફોરમમાં કઝાકીસ્તાનની કંપનીઓ પણ જોડાઈ હતી અને આઇ.ટી; સ્ટાર્ટ અપ તેમજ મેટલ પ્રોડક્શન માટે પ્રાથમિક તબક્કે એગ્રીમેન્ટ પણ થયા હતા. 

કઝાકિસ્તાન રાજદૂતે આ મુલાકાત દરમિયાન ખાસ કરીને આઇ.ટી; ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત-ગુજરાત સાથે સ્ટ્રેટીજીક પાર્ટનરશીપ ટાઇ-અપની ઉત્સુકતા દર્શાવી હતી. 

ગુજરાતના આ ત્રણેય ક્ષેત્રોના વિશાળ અનુભવનો લાભ લેવા કઝાકીસ્તાન આતુર છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કઝાકીસ્તાન રાજદૂતને આવકારતા કહ્યું કે, ભારત-ગુજરાત કઝાકસ્તાન સંબંધોના સેતુને વધુ નવી ઊંચાઈ આપવા રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર આપશે.

મુખ્યમંત્રીશ્રીએ કઝાકીસ્તાન રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવાનું પ્રેરક સૂચન કરતા એમ પણ કહ્યું કે, ઇન્કલુઝિવ ગ્રોથ, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્ર અને આત્મનિર્ભર ભારતના ધ્યેય સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનનો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી તેમને સુપેરે પરિચય થશે. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીશ્રીની વિકાસ પ્રતિબદ્ધતાને પરિણામે આજે ભારત વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ઉચ્ચ સ્થાન પામ્યું છે તેની પણ ભૂમિકા કઝાકિસ્તાન રાજદૂતને આપી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. 

આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં કઝાકીસ્તાનના ગુજરાત સ્થિત ઓનરરી કોન્સ્યુલ શ્રી ચંદન, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બીના એમ.ડી. શ્રીમતિ નીલમ રાની પણ જોડાયા હતા.

 

(3:45 pm IST)