ગુજરાત
News of Thursday, 14th October 2021

સરકારી નાણાથી બનતી મેડીકલ કોલેજોમાં સોસાયટીના નામે શિક્ષણ મોંઘુ શા માટે ?

સામાન્ય વર્ગના તેજસ્વી છાત્રોને તબીબી શિક્ષણ માટે વાર્ષિક ૩II લાખ રૂ.નો બોજ વેઠવો પડશે : કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીનો ઉકળાટ

ગાંધીનગર તા. ૧૪ : કેન્દ્ર અને રાજયના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રના ૬૦ ટકા અને રાજય સરકારના ૪૦ ટકા નાણાંથી ઉભી થનાર સરકારી મેડીકલ કોલેજો સ્થપાશે તેવુ લોકસભામાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને સાંસદશ્રી રાહુલ ગાંધી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૦માં પુછાયેલા પ્રશ્નના જવાબમાં મેડીકલ કોલેજ જે તે રાજયમાં સ્થાપવા માટે કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ અને રાજય સરકાર ૧૩૦ કરોડ નાણાં ફાળવશે તેવુ જણાવ્યું. જે અન્વયે ગુજરાતમાં નવસારી, પોરબંદર અને રાજપીપળા ખાતે ત્રણ મેડીકલ કોલેજો સરકારી નાણાંથી ઉભી થનાર છે. પણ મેડીકલ કોલેજ સ્થાપવા માટેની કેન્દ્ર સરકારની નીતીની વિરુધ્ધ થઈને ગુજરાત સરકારે નવસારી, પોરબંદર અને રાજપીપળા ત્રણેય મેડીકલ કોલેજો ગુજરાત મેડીકલ એજયુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ને સોંપી દેવાનુ નક્કી કર્યું છે. આયોજનપંચના નાણાંથી સરકારી નાણાંથી સ્થપાયેલ મેડીકલ કોલેજોને સોસાયટીમાં તબદીલી કરવાથી સામાન્ય - મધ્યમવર્ગના તેજસ્વી બાળકોને ૩.૫૦ લાખ રૂપિયા પ્રતિ વર્ષ ફી ભરવી પડે છે. સરકારી નાણાંથી નવસારી, પોરબંદર, રાજપીપળા ખાતે સ્થપાનાર નવી મેડીકલ કોલેજોને સરકારી રાહેજ સરકારી ફીમાં જ સ્થપાય તે જોવાની જવાબદારી રાજય સરકારની છે. જિલ્લા / સરકારી હોસ્પીટલો / સિવિલ હોસ્પીટલો / રેફરલ હોસ્પીટલો સરકારી નાણાંથી ઊભી થયેલ છે તો પછી સોસાયટીના નામે મેડીકલ એજયુકેશન કેમ મોંઘુ ? કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ (૬૦ ટકા) અને ૧૩૦ કરોડ (૪૦ ટકા) અન્વયે સ્થપાનાર મેડીકલ કોલેજો હોય તો પછી તેના ફી ના ધોરણો કેમ પ્રતિવર્ષ ૩.૫૦ લાખ રૂપિયા? જેના લીધે સરકારી નાણાંથી ઉભી થયેલ કોલેજો સામાન્ય અને મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી એમ.બી.બી.એસ. માટે પ્રતિ વર્ષ ૩.૫૦ લાખ જેટલી ઉંચી ફી વસુલ કરશે. જે સંપૂર્ણ પણે અન્યાયકર્તા અને ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા માટે પણ વ્યાજબી નથી. ગુજરાતમાં છ સરકારી મેડીકલ કોલેજમાં પ્રતિ વર્ષ ૨૫,૦૦૦, સરકારી નાણાંથી ઉભી થયેલ જી.એમ.ઈ.આર.એસ. ની ૮ કોલેજોમાં ૩.૫૦ લાખ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પ્રતિ વર્ષ ૮.૬૫ લાખ થી ૧૭ લાખ જેટલી અધધ ફી વસુલવામાં આવી રહી છે.

ગુજરાત મેડીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીમાં (GMERS) સંલગ્ન તમામ મેડીકલ કોલેજોમાં નાણાંકીય સત્વરે કેગ દ્વારા ઓડીટ કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે. રાજયમાં સરકારી મેડીકલ કોલેજોમાં અધ્યાપકો અને અન્ય કર્મચારીઓ નિમણૂંકમાં રાજય સરકારનું બેજવાબદાર નીતીથી મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની ૪૫ થી ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. મેડીકલ કોલેજોમાં સ્ટાફની અછત થી તબીબી શિક્ષણ અને સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં તબીબી સારવાર પર ગંભીર અસર પડી રહી છે.

(1:07 pm IST)