ગુજરાત
News of Thursday, 14th October 2021

RTE એકટ હેઠળ પ્રવેશ ફીમાં 30 ટકા વધારો: હવે શાળાઓને 10 હજારના બદલે 13 હજાર ફી ચુકવાશે :9 વર્ષ બાદ ફી વધી

વધારો ખુબ જ મામુલી હોવાનું સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે

 

અમદાવાદ :રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા 9 વર્ષે વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ફી શાળાઓને ચુકવવામાં આવતી હતી. જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 13 હજાર ચુકવવામાં આવશે. આમ, 2012 પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ખુબ જ મામુલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.

RTEનો અમલ રાજ્યમાં 2012થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચુકવવામાં આવતી હોય છે. 2012માં રાજ્યમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યાર બાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 10 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચુકવવામાં આવશે. પરંતુ જો સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા વધુ હોય તો મહત્તમ રૂ. 10 હજાર જ ફી ચુકવવામાં આવતી હતી.

2012માં કાયદોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જોકે, ત્યારબાદ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોઈ સંચાલકો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધારા માટે રજૂઆતના પગલે સરકાર દ્વારા હવે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે RTEમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થી દીઠ મહત્તમ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 13 હજાર કરવામાં આવી છે.

આમ, સ્કૂલોને હવે મહત્તમ રૂ. 13 હજાર સુધીની ફી સરકાર દ્વારા ચુકવવામાં આવશે. જેથી હવે સ્કૂલની ફી રૂ. 13 હજાર કરતા ઓછી હશે તો જેટલી ફી હશે તેટલી ફી ચુકવવામાં આવશે. પરંતુ જો સ્કૂલની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારે નક્કી કરેલી હશે તો મહત્તમ રૂ. 13 હજાર જ ફી ચુકવવામાં આવશે. આમ, 2012 બાદ 9 વર્ષે સરકાર દ્વારા રૂ. 3 હજારનો વધારો કરવામાં આવતા સંચાલકોએ આ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ વધારો ખુબ જ ઓછો હોવાથી આગામી દિવસોમાં સંચાલકો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે, 2012 RTE હેઠળ એક શાળાને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ફી મળતી હતી. 9 વર્ષ બાદ 2021માં રૂ. 10 હજારથી ફી વધારી રૂ. 13 હજાર કરી છે, તે સામાન્ય રીતે ખુબ જ ઓછી છે. દરવર્ષે સ્કૂલમાં 10 ટકા ફી વધારો ગણીએ તો પણ તે રકમ 9 વર્ષમાં ખુબ જ વધી જાય તેમ છે. તેવા સંજોગોમાં આ મામુલી વધારો છે. જેથી શાળા સંચાલક મંડળ સરકારમાં રજૂઆત કરશે.

નવ ગુજરાત વાલી મંડળના અગ્રણી નરેશ શાહે જણાવ્યું છે કે ગરીબ અને અમીર બાળકો વચ્ચે સમાનતા ઉભી કરવાના હેતુથી RTE કાયદો અમલમાં લાવ્યા છે. જેથી મોટી શાળાઓ દ્વારા ગરીબ અને અમીર બાળકો વચ્ચે ભેદભાવ રાખ્યા વગર બન્ને વર્ગના બાળકોને એક જ વર્ગખડમાં એક સાથે બેસી ભણાવવામાં આવે તેવી માંગણી કરી છે.

(12:41 am IST)