ગુજરાત
News of Thursday, 14th October 2021

મહેસાણા LCBએ મંદિરમાં ચોરી કરતી ટોળકી ઝડપી

ટોળકીએ અત્યાર સુધીમાં ૧૯ ચોરીને અંજામ આપ્યો : દિવસે મંદિરની રેકી કરતા અને ત્યાર બાદ રાત્રે મંદિરને નિશાન બનાવી મંદિરના ઘરેણાં લઈ ફરાર થઈ જતા હતા

મહેસાણા,તા.૧૩ : મહેસાણા એલસીબી પોલીસે દાહોદમાં મજુરનો વેશ ધારણ કરીને રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતી ગેંગ પકડી છે. આ ગેંગ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંદિર અને ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકી છે. મહેસાણા જિલ્લાની ૧૧ મળી કુલ આ ટોળકીએ હાલમાં ૧૯ ચોરી કર્યાની કબૂલાત કરી છે. મહેસાણા એલસીબી પોલીસને આ ટોળકીને પકડવા સતત ૧૦ દિવસ સુધી દાહોદ વિસ્તારમાં વેશ બદલીને ફરવુ પડ્યું હતું. પોલીસે હાલમાં કાયદાના સંઘર્ષમાં રહેલા એક કિશોર સહિત ૪ ચોરને ઝડપી લઈ રૂપિયા ૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહેસાણા પોલીસે કનુ મિહિયા, રાકેશ ગુડિયા અને પરેશ ભુરિયાની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સ દાહોદ જિલ્લાના ગરબાડાના રહેવાસી છે. આ ટોળકી અત્યાર સુધી લાખોની ચોરીને અંજામ આપી ચૂકી છે. દિવસે મંદિર વિસ્તારમાં મજુરનો વેશ ધારણ કરીને આ ત્રણેય લોકો રેકી કરતા હતા. ત્યાર બાદ રાત્રે મંદિરને નિશાન બનાવી મંદિરના ઘરેણાં લઈને ફરાર થઈ જવું એ ટોળકીનું મુખ્ય કામ છે. અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં ૧૨ અને અન્ય વિસ્તારની મળી કુલ ૧૯ કરતા વધુ ચોરીને આ ટોળકી અંજામ આપી ચૂકી છે. મહેસાણા એલસીબી પોલીસે આ ટોળકી પાસેથી હાલમાં ૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો આ ટોળકી અત્યાર સુધીમાં ૨૨ લાખ કરતા વધુની રકમની ચોરીને અંજામ આપી ચૂકી છે. જો કે મહેસાણા એલસીબી પોલીસે આ ટોળકીને ઝડપી લઇ જેલ હવાલે કરી દીધી છે. હાલમાં એક કિશોર સહિત ૪ શખ્સ પકડી લેવાયા છે. તો હજુ આ ટોળકીના ૩ શખ્સ ફરાર છે.

            આ ગેંગ વિશે મહેસાણા એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, આશરે દશ મહિના પહેલા મહેસાણા નજીક દેવરાસણ ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરી કરવા માટે આ ટોળકી ગયેલી અને મંદિરમાંથી ચાંદીના જુદા જુદા આભૂષણોની ચોરી કરી હતી. જે બાબતે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. નવેક માસ પહેલા મહેસાણા નજીક આવેલ ટોલનાકા પાસે આ ટોળકીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. છ માસ પહેલા નંદાસણ હાઇવે રોડ પરની ત્રણ  ફેક્ટરીઓના તાળા તોડી ફેક્ટરીમાંથી રોકડ રકમની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. આ ટોળકી મહેસાણા જિલ્લામાં કુલ ૧૨ જેટલી ચોરીને અંજામ આપી ચૂકી છે. જેમાં વરવાડાના ચામુંડા માતાજીના મંદિર અને તારંગા જૈન મંદિરની ચોરીનો પણ સમાવેશ થાય છે. તો મહેસાણા જિલ્લા સિવાય અન્ય વિસ્તારમાં પણ આ ટોળકીએ લાખોની મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જો કે હજુ પણ આ ટોળકીના ત્રણ શખ્સ પોલીસ પકડથી દૂર છે. લાખોની ચોરીને અંજામ અપાઈ ચૂકેલી દાહોદની આ ટોળકી સૌથી વધુ મંદિરને નિશાન બનાવતી હતી. રાત્રિ દરમિયાન મંદિરમાં ચોકીદાર કે અન્ય કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે આ ટોળકી માટે ચોરી માટે રસ્તો ખુલ્લો થઈ જતો. આ ટોળકી અત્યાર સુધી એવા જ મંદિરને નિશાન બનાવી ચુકી છે જ્યાં રાત્રી દરમિયાન કોઈ રહેણાંક ધરાવતું ન હતું.

(9:16 pm IST)