ગુજરાત
News of Thursday, 14th October 2021

ગુજરાતમાં અત્યાર સુધી ૯૬.૩૭ ટકા વરસાદ વરસ્યો

મેઘરાજાની ગુજરાતમાંથી વિદાય : સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં ૧૬૬% વરસાદ નોંધાયો જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૭૧.૯૨% વરસાદ

અમદાવાદ,તા.૧૩ : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ચાલુ વર્ષે રાજ્યમાંથી મેઘરાજાએ મોડી વિદાય લીધી છે. જેમાં પાછોતારા વરસાદથી દુષ્કાળની ભીતી દૂર થઈ છે. આ વખતે ચોમાસાની સીઝનમાં ૯૬.૩૭% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સારા પ્રમાણમાં પાછોતરો વરસાદ થયો હતો. પાછોતરા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને તકલીફનો પણ સામનો કરવો પડ્યો હતો. જ્યારે વરસાદના લીધે નાના-મોટા જળાશયોમાં પાણીની સારી આવક પણ થઈ છે. આજે ગાંધીનગરમાં આ મુદ્દે ચર્ચા વિચારણા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં થયેલા વરસાદમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૧૬૬% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૭૧.૯૨% વરસાદ થયો છે. મધ્યગુજરાતમાં સીઝનનો ૮૪% વરસાદ થયો છે. કચ્છમાં ૧૧૨ જેટલો વરસાદ નોંધાયો છે.

         સપ્ટેમ્બર મહિનામાં જ રાજ્યમાં ૧૭ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં થયેલા ભારેથી અતિભારે વરસાદમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા (૧૪૩.૫૭%), જામનગર (૧૪૦%), રાજકોટ (૧૩૫%), જૂનાગઢ (૧૩૦%) અને પોરબંદર (૧૨૫%) નોંધાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં થયેલા સારા વરસાદના કારણે નદી, નાળા અને ડેમોમાં નવા નીર આવ્યા છે, સપ્ટેમ્બર પહેલા વરસાદ અટકી જતા દુષ્કાળની ભીતી સેવાઈ રહી હતી, જોકે, વરસાદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સારો વરસાદ થતા નર્મદા સહિતના ડેમમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં આગામી દિવસોમાં ક્યાંય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી, જોકે, આજે નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં હળવા વરસાદી ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે કેબિનેટની બેઠક મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને વધારે નુકસાન થયું છે, જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના ખેડૂતોનો સમાવેશ થાય છે.

(9:16 pm IST)