ગુજરાત
News of Saturday, 14th September 2019

મહી નદીનું રોદ્ર સ્વરૂપ : લોકો ઉપર સંકટ, હજારોનું સ્થળાંતર

ઉમેટા, ખેરડા સહિતના વિસ્તારોમાં પાણી પાણી : આંકલાવમાં અઢી હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું ઉમરેઠ, આણંદ, આંકલાવ, બોરસદના ગામો ઉપર ખતરો

અમદાવાદ, તા.૧૪ : મધ્યપ્રદેશ, પંચમહાલ સહિતના વિસ્તારમાં બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે મહીસાગર નદીના ૧૦ લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતાં કડાણા ડેમમાંથી ૭ લાખ ક્યુસેક પાણી છોડાતા વણાંક બોરી ડેમમાં પાણીની આવક વધી જવા પામી હતી. વણાકબોરી ડેમની ૨૪૨ મીટર ભયજનક સપાટી છે, તેની સામે ૨૩૨ એ પહોંચતાં વ્હાઈટ સીગ્નલ જાહેર કરાયું છે. વણાંકબોરીમાંથી મહીસાગરમાં લાખો ક્યુસેક પાણી છોડાતાં ૧૪ વર્ષ બાદ મહીસાગરનું નદીનું લેવલ વાસદ પાસે પણ વધી ગયું છે અને નદીએ વર્ષો બાદ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પૂરના પાણીને લઇ આંકલાવ તાલુકાના ગંભીરા ગામે ભાઠ્ઠા વિસ્તારમાં મહીસાગર નદીના પાણી ઘુસતા આશરે અઢી હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તો ઉમેટા, ખેરડા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતાં લોકો ચિંતામાં મૂકાયા છે.  મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જેથી અનેક વિસ્તારોમાં પુરનું સંકટ ટોળાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજથી ૧૪ વર્ષ અગાઉ ૨૦૦૫માં સાડા બાર લાખ ક્યુસેક પાણી છોડાતાં નદીકાંઠાના ગામોને અસર થઈ હતી.

                 આ વખતે ૭ લાખ ક્યુસેક પાણી સતત છોડાઈ રહ્યું છે. જેના કારણે ઉમરેઠ તાલુકાના બે, આણંદના ચાર, આંકલાવ અને બોરસદના ૨૦ ગામો ઉપર હજુ પણ ખતરો મંડાઈ રહ્યો છે. આણંદ તાલુકાના ખેરડા ગામની સીમમાં મહી નદીના પાણી ફરી વળતાં વ્હેરાખાડી માર્ગ બંધ થઈ ગયો તેમજ સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ઘુસી જતાં દિવેલા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. સીમ વિસ્તારમાં હાલ ઢીંચણસમા પાણી જાવા મળી રહ્યા છે. તો વળી ગ્રામજનો માટે સ્થાનિક માછીમારો દ્વારા હોડીઓ પણ તૈયાર રખાઈ છે. સીમ વિસ્તારમાં હાલ સૌ કોઈ સલામત છે પરંતુ ટપાણી વધી જાય તો ગામમાં ઘુસવાની પણ સંભાવના વર્તાઈ રહી છે. ખેરડાની ઝેરી સીમ વિસ્તારમાં કોઝવે ઉપર પણ નદીના પાણી ફરી વળ્યા છે અને રસ્તો બંધ થઈ ગયા છે. આ જ રીતે વ્હેરાખાડી ગામે પણ સીમ વિસ્તારમાં ચોતરફ મહીના પાણી વહી રહ્યા છે અને રોડ ઉપર પણ મહી નદીના પાણી ફરી વળતાં લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડે છે. જ્યારે આંકલાવ તાલુકાના ઉમેટા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘુસી ગયા છે. ઉમેટા-ગંભીરા માર્ગ પર નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો છે. લોકોની અવરજવર અટકી જવા પામી છે. ઉમેટા-ખડોલ માર્ગ પર પાણી ફરી વળતા ખડોલ ગામ સંપર્કવિહોણુ બની ગયું છે. ગામમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનો અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો લોકો હોડીઓ લઈને અવરજવર કરવી પડે છે. મહી નદીના રૌદ્ર સ્વરૂપને લઇ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ જાવા મળી રહ્યો છે. આંકલાવ તાલુકાના ચમારા અને ગંભીરા ગામે પણ મહી નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. જ્યારે સીમ વિસ્તાર પાણીમાં તરબોળ જાવા મળી રહે છે. આંકલાવ તાલુકાના કાવીઠા, આમરોલ, ભવાનપુરા, આસરમા, નવાખલ, ભેટાસી-વાંટા, ગંભીરા-ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ, સંખ્યાડ, બોરસદના દહેવાણ, બદલપુર, વાલવોડ ગામને સચેત કરવામાં આવ્યા છે. નદીના પાણી ન ઓસરે ત્યાં સુધી સીમ વિસ્તારમાં ન જવા કહેવામાં આવ્યું છે.

(8:44 pm IST)