ગુજરાત
News of Friday, 14th September 2018

ભાલેજની પરિણીતાની હત્યામાં પુરાવાને નષ્ટ કરનાર શખ્સ પોલીસના સકંજામાં

ભાલેજ:ની પરિણીતાની રહસ્યમય હત્યાકાંડમાં તેના પ્રેમીની ધરપકડ કરાયા બાદ આ કેસમાં પુરાવાઓનો નાશ કરનાર હત્યારા સલમાનના મિત્ર તૌસીફમંયા ઠાકોરની આજે ભાલેજ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૨મી માર્ચના રોજ ભાલેજ ખાતે રહેતી શરીફાબાનુ નામની ૩૦ વર્ષીય પરિણીતાનું રહસ્યમય રીતે મોત થયું હતુ. ચાર દિવસ બાદ કબરમાંથી લાશ બહાર કાઢીને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવતાં હાથથી ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનું ખુલવા પામ્યું હતુ. જે અંગે ભાલેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને લાય ડીટેક્ટીવ ટેસ્ટના આધારે શરીફાબાનુના પ્રેમી સલમાનની ધરપકડ કરી હતી. 
સલમાન અને શરીફાબાનુ વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા. ત્યારબાદ સલમાને લગ્ન કરી લેતાં બન્ને વચ્ચે ઝઘડાઓ ચાલુ થઈ જવા પામ્યા હતા. આખરે બનાવ વખતે શરીફાબાનુના ઘરે કોઈ હાજર નહતા ત્યારે સલમાન ત્યાં પહોંચી ગયો હતો અને તેણીનું ગળુ દબાવીને હત્યા કરી નાંખ્યા બાદ લાશને પંખા સાથે લટકાવીને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં તેના મોબાઈલ ફોનમાંથી બધો ડેટો ડીલીટ કરી નાંખવા તેમજ સીમકાર્ડ પણ તોડી નાંખવામાં તેના મિત્ર તૌસિફમીંયા સીરાજમીંયા ઠાકોરે મદદગારી કરી હોવાની કબૂલાત કરી હતી જેને લઈને પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન આજે ભાલેજ ગામે પોતાની સાસરીમાં તૌસિફમીંયા આવી પહોંચતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન હત્યાકાંડને લગતી બીજી કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

(4:42 pm IST)