ગુજરાત
News of Friday, 14th September 2018

અમદાવાદના નાના ચિલોડા પાસે મીહલાઅે લિફ્ટ માંગ્યા બાદ નકલી પોલીસ બનીને યુવકનું અપહરણઃ કાર લઇને ફરાર

અમદાવાદ: ગાંધીનગર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ત્રણ ધૂતારાઓએ 55 વર્ષીય મનોજ જાનીનું અપહરણ કર્યું. નાના ચિલોડા પાસે એક મહિલાએ મનોજ પાસે લિફ્ટ માગી હતી, મહિલાને લિફ્ટ આપ્યા બાદ ઘટના બની. મનોજ જાનીને અપહરણકર્તાઓએ 4 કલાક સુધી બંધક બનાવીને રાખ્યા અને 10 લાખ રૂપિયાની ખંડણી પણ માગી. અંતે કિડનેપર્સ મનોજને બોડકદેવમાં તેની બહેનના ઘરે લઈ ગયા. ખંડણી પેટે મનોજ જાની 50,000 રૂપિયા બહેન પાસેથી લેવા ગયા દરમિયાન આરોપીઓ મનોજની 4 લાખની કાર લઈને નાસી છૂટ્યા.

નારણપુરાના રહેવાસી મનોજ જાનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મામલે FIR નોંધાવી છે. મનોજ SG રોડ પર આવેલી એક ખાનગી યુનિવર્સિટી અને ગાંધીનગર IITના લોન્ડ્રી કોન્ટ્રાક્ટર છે. વિગતવાર સમગ્ર ઘટનાની વાત કરીએ તો, બુધવારે મનોજ જાની SG રોડ પર આવેલી પ્રાઈવેટ યુનિવર્સિટી ગયા હતા અને ત્યાંથી નાના ચિલોડા સ્થિત ઓટોમોબાઈલ એજન્સી ખાતે જવા રવાના થયા. નાના ચિલોડા પાસે મનોજે 40 વર્ષની આસપાસની એક મહિલાને હાથ હલાવીને લિફ્ટ માગતી જોઈ.

મનોજે કાર ઊભી રાખીને મહિલાને ઊભી રાખી ત્યારે મહિલાએ મનોજને કહ્યું કે, તેનું બાળક બીમાર છે અને તેને હિંમતનગર પહોંચવું છે. મહિલાએ મનોજને વિનંતી કરી કે તે તેને મોટા ચિલોડા ઉતારી દે. મનોજ મોટા ચિલોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે 4 શખ્સોએ તેની કાર રોકી અને ગાંધીનગર ક્રાઈમબ્રાંચના અધિકારીઓ તરીકે ઓળખ આપી. 4 શખ્સોએ મનોજ પર આરોપ મૂક્યો કે તેણે મહિલાનું અપહરણ કર્યું છે. અડધો કલાકની મહેનતે મનોજ તેમને સમજાવી શક્યો કે મહિલાએ લિફ્ટ માગી હતી તેણે અપહરણ નથી કર્યું.

FIR પ્રમાણે, ક્રાઈમબ્રાંચના અધિકારીઓ તરીકે ઓળખ આપનારા 4માંથી એક શખ્સે મહિલાને પોતાની મોટરસાઈકલ પર બેસાડી અને ત્યાંથી રવાના થઈ ગયો. બાકીના 3 શખ્સોએ મનોજને પાછળની સીટ પર બેસાડ્યો અને ગાડી મોટા ચિલોડા નજીક આવેલી એક ધર્મશાળામાં હંકારી ગયા. ત્રણમાંથી એક શખ્સ પાસે બંધૂક હતી, તે શખ્સે મનોજની પીઠ પર બંધૂક તાકીને 10 લાખ રૂપિયા ખંડણી માગી. 3 શખ્સોએ મનોજને માર માર્યો અને 50,000 રૂપિયા તેમજ તેનો મોબાઈલ લઈ લીધો. પછી શખ્સોએ મનોજને તેની બહેન ડૉ. હીના ઓઝા અને ભાઈ ડૉ. વિપુલ ઓઝાને ફોન કરવાની ફરજ પાડી.

બુધવારે સાંજે લગભગ 6 વાગ્યે ત્રણેય શખ્સોએ મનોજને બોડકદેવના પુષ્પવન ફ્લેટમાં રહેતી તેની બહેનના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. શખ્સોએ મનોજને ત્યાં ઉતાર્યો અને તેની બહેન પાસેથી રૂપિયા લઈ આવવાનું કહ્યું. મનોજે આરોપીઓ પાસેથી પોતાની ગાડીની ચાવી અને મોબાઈલ માગ્યો પરંતુ તેમણે ના આપ્યો. મનોજ બહેનના ઘરે ગયો અને રૂપિયા માગ્યા. તેની બહેને 10 મિનિટ બાદ 50,000 રૂપિયા આપ્યા પણ જ્યારે મનોજ રૂપિયા લઈને પાછો આવ્યો ત્યારે ત્રણેય શખ્સો મનોજની કાર લઈને ભાગી ગયા હતા.

પોલીસના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, મનોજ જે સ્થળે પેલી મહિલાને મળ્યો હતો તે સ્થળે CCTV કેમેરા નહોતા. બોડકદેવમાં મનોજની બહેનના ઘર પાસે જ્યાં તેને ઉતારવામાં આવ્યો તે સ્થળના CCTV ફૂટેજ પોલીસને મળ્યા છે. મનોજે પોલીસને જણાવ્યું કે, અપહરણકર્તાઓ 30-35ની ઉંમરના હતા, જ્યારે તે મહિલા 40 વર્ષની અને તેના ચહેરા પર કાળા ડાઘ હતા. પોલીસ આરોપીઓના સ્કેચ તૈયાર કરાવી રહી છે. આરોપીઓ મનોજને સાબરમતી, ઘાટલોડિયા, સત્તાધાર અને SG રોડ જેવા વિસ્તારોમાંથી પસાર થઈને મોટા ચિલોડાથી ગાંધીનગર લઈ ગયા હતા. પોલીસ રૂટના CCTV ફૂટેજ તપાસશે.

(4:38 pm IST)