ગુજરાત
News of Friday, 14th September 2018

ગુજરાતમાં પ્રથમવાર એન્જિનિયરિંગની ૫૪%થી વધારે સીટો રહી ખાલી

અમદાવાદ, તા.૧૪: બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી એન્જિનિયરિંગ કોલેજો અને કોર્સની ઘટી રહેલી ગુણવત્તાએ એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે રાજયમાં પહેલી વાર એન્જિનિયરિંગ કોર્સની ૫૪%થી વધારે સીટો ખાલી રહી છે. વિવિધ ઈન્સ્ટીટ્યૂટના મેનેજમેન્ટે ACPC ને ૪,૨૬૭ ખાલી રહેલી સીટો પાછી આપી ત્યારે આ બાબતનો ખુલાસો થયો. આ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગમાં ૬૩,૮૪૬ સીટો છે, જયારે ૨૦૧૭માં આ સીટોની સંખ્યા ૬૮,૧૧૩ હતી.

એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે ૩૯,૦૦૦ વિદ્યાર્થીઓએ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ (ACPC) માં અપ્લાય કર્યું જેમાંથી ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રક્રિયા આગળ ન વધારી. એજયુકેશન એકસપર્ટના મતે, આ ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓમાંથી આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓએ NIT અને  IIT એડમિશન લીધું હશે. બાકીના વિદ્યાર્થીઓએ રાજયની બહાર આવેલી ઈન્સ્ટીટ્યૂટ્સમાં એડમિશન લીધું હશે અથવા BSc માં લીધું હશે. સ્પષ્ટ બાબત છે કે, કરિયર અને પ્લેસમેન્ટનો સવાલ હોય ત્યારે કોઈપણ વિદ્યાર્થી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં જ એડમિશન લેવા માગે છે. એટલે જ ગુણવત્તાસભર શિક્ષણ આપતી એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો ભરાઈ ગઈ છે.

AICTE માન્ય કોલેજ મેનેજમેન્ટના કન્વીનર નેહલ શુકલએ કહ્યું કે, સરકારે હવે નવી કોલેજોને માન્યતા ન આપવી જોઈએ કારણકે કોલેજોની સંખ્યા પૂરતી છે. આગામી ૩ વર્ષો સુધી સ્થિતિ ૨૦૧૮ જેવી જ રહેશે. મને લાગે છે કે એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓ રાજયની બહારની કોલેજોમાં એડમિશન લે છે.

ACPCના મેમ્બર સેક્રેટરી જી.પી. વડોદરિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓની પહેલી પસંદ કોમ્પ્યૂટર અને ઈન્ફર્મેશન ટેકનોલોજીના કોર્સ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, ઈલેકટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનની ૬૦ ટકાથી વધારે બેઠકો ખાલી છે. ૩૦,૦૦૦થી વધારે સીટો ખાલી રહેવાનો અંદાજ છે કારણકે ઉતીર્ણ થયેલા ૪૧,૦૦૦ વિદ્યાર્થીઓમાંથી ૩૯૦૦૦ વિદ્યાર્થીઓએ જ અપ્લાય કર્યું.

ઉદ્યોગોમાં ઓટોમેશન આવવાથી કમ્પ્યૂટર એન્જિનિયર્સની માગમાં વધારો થયો છે. કમ્પ્યૂટર અને ઈન્ફર્મેશન ટેકનોલોજીના નવા ગ્રેજયુએટ્સને સરેરાશ ૩થી ૧૨ લાખનું વાર્ષિક પેકેજ મળે છે, તેમ ગાંધીનગર ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યૂટર અને ITના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બી.વી. બુદ્ઘદેવે જણાવ્યું. એજયુકેશન એકસપર્ટના મતે, એન્જિનિયરિંગની દરેક શાખાનો પાંચ વર્ષનો તબક્કો હોય છે. એક સમય હતો જયારે મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગ ટોપ ચોઈસ હતી. જો કે વિવિધ કારણોસર કમ્પ્યૂટર એન્જિનિયરિંગ અને IT બે દશકાથી આ ક્ષેત્રે રાજ કરે છે.(૨૩.૧૨)૭

(3:48 pm IST)