ગુજરાત
News of Friday, 14th September 2018

સોશિયલ મીડિયામાં યુવકો કરતા યુવતીઓ વધુ 'ઓફેન્સિવ'

સાયબર ક્રાઇમે બોગસ પ્રોફાઇલના છેલ્લા ત્રણ ભેદ ઉકેલ્યા તે ત્રણેયમાં આરોપી તરીકે યુવતીઓ મળી!

અમદાવાદ તા. ૧૪ : સોશિયલ મીડિયાના વ્યાપ સાથે સાયબર ક્રાઇમ પણ વધ્યા અને હવે સ્થિતિ એવી છે કે, મહિલાઓ સાયબર ક્રાઇમમાં પુરુષ સમોવડી બની ગઇ છે! વાત આંચકારૂપ હોઇ શકે છે પરંતુ તાજેતરમાં સાયબર ક્રાઇમે બોગસ પ્રોફાઈલથી કોઇને પરેશાન કે બદનામ કરવાના જે ત્રણ કિસ્સાના ભેદ ઉકેલ્યાં તેમાં જોગાનુજોગ ત્રણેયમાં આરોપી તરીકે યુવતીઓ નીકળી હતી.

સાયબર ક્રાઇમના એકસપર્ટસ માને છે કે, સોશિયલ મીડિયા પર બોલ્ડ એકસ્પ્રેશન માટે યુવતીઓ બોગસ પ્રોફાઈલનો ઉપયોગ કરતી હોય છે. જેના ઉપયોગથી કેટલીક અજાણતામાં આરોપી પણ બની જાય છે.

પૂર્વ પતિની પત્નિને બદનામ કરવાનો કારસો ઘડયો

એક ખાનગી કંપનીમાં કામ કરતી યુવતીએ તેને કોઇ સોશિયલ મીડિયામાં બદનામ કરી રહ્યાની ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ૨૫ વર્ષની યુવતીને પકડી પાડી હતી. યુવતીએ ધરપકડ બાદ કબૂલાત કરી હતી કે તે જેને બદનામ કરે છે તે બન્ને સાથે એક જ કંપનીમાં નોકરી કરે છે. બન્નેને એક વર્ષ પહેલા કોઇ મુદ્દે તકરાર થઇ હોવાતી તેણે Hiral Pujara નામની બોગસ પ્રોફાઈલ બનાવી કલીગના ફોટા બીભત્સ કોમેન્ટ સાથે વાઇરલ કર્યા હતા.

તેં જેની સાથે સગાઇ કરી છે તે મારી પ્રેમિકા છે!

સાયબર ક્રાઇમમાં એક યુવકે ફરિયાદ કરી હતી કે, તેને કોઇ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી રહ્યું છે. જેમાં ધમકી અપાઇ રહી છે કે તારી સગાઈ જેની સાથે થઇ છે તેને છોડી દે, તે મારી પ્રેમિકા છે. સાયબર ક્રાઇમે આ ગુનાનો ભેદ ઉકેલ્યો ત્યારે પણ એક યુવતી જ પકડાઈ હતી. યુવતીએ કબૂલાત કરી કે તે જેના માટે મેસેજ કરતી તે તેની સહેલી છે. તેનો મંગેતર તેને પરેશાન કરતો હોઇ ખોટી પ્રોફાઈલ બનાવી તેને મેસેજ કર્યા હતા. જેથી તે મારી સહેલી સાથે સગાઇ તોડી કાઢે.

સાથે કામ કરતી મહિલાને યુવતીએ જ બદનામ કરી

એક પરિણીતાના ફોટા બીભત્સ કોમેન્ટ સાથે કોઇ છોકરીના નામ વાળી પ્રોફાઈલથી વાઇરલ થવા લાગ્યા હતા. પરિણીતાની ફરિયાદ બાદ તપાસમાં સાયબર ક્રાઇમે ૪૬ વર્ષિય મહિલાને પકડી પાડી હતી. જેણે પૂર્વ પતિની હાલની પત્નીને બદનામ કરવા ફેક પ્રોફાઈલ બનાવી તેના ફોટા નીચે બીભત્સ કોમેન્ટ કરી અપલોડ કરતી હતી. પોલીસે જયારે તેની ધરપકડ કરી ત્યારે તેણે પૂર્વ પતિ અને તેની પત્નીને બદનામ કરવા કાવતરું ઘડ્યું હતું.

બોલ્ડ એકસ્પ્રેશન માટે બોગસ પ્રોફાઇલનો ટ્રેન્ડ વધ્યો છે

સાયબર એકસપર્ટનું માનવું છે કે, સોશિયલ મીડિયાના વ્યાપ સાથે સાયબર ક્રાઇમ પણ વધવા લાગ્યું છે. જેમાં મહિલા આરોપીઓની સંખ્યા પણ વધવા લાગી છે. જાણકારોનું કહેવું છે કે, ઘણા કિસ્સામાં યુવતીઓને બોલ્ડ કોમેન્ટ કરવી હોય છે પરંતુ પોતાની સાચી પ્રોફાઈલથી કરે તો પોતાને સમાજમાં બદનામ થવાનો ડર હોય છે. તેના માટે તે બોગસ પ્રોફાઈલ બનાવે છે અને ઓળખ છૂપાવી એકસ્પ્રેશન આપતી હોય છે. એકવાર બોગસ પ્રોફાઈલના ઉપયોગથી પોતાને સિકયોર માનવા લાગે તો પછી તે ક્રાઇમ કરતા પણ ખચકાતી નથી.

 

(12:06 pm IST)