ગુજરાત
News of Friday, 14th August 2020

દેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ

ફરિયાદને આધારે ૭૩ જેટલા રેશનકાર્ડ ધારકોનું ક્રોસ ચેકીંગ તથા રેશનકાર્ડ ધારકોના જવાબો લેવાયા:અનાજ ખાંડ તેલ અને કેરોસીન નો જંગી જથ્થો સગેવગે કરવા બદલ દુકાનદાર ને રૂ.૧,૨૩,૪૨૯ દંડ ફટકારતા ચકચાર.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામની દેવરામભાઇ દાદુભાઇ વસાવા સંચાલીત પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમા મોટા પાયે ચાલતી ગેરરીતી ઝડપાઈ છે.જેમા ફરિયાદને આધારે ૭૩ જેટલા રેશનકાર્ડ ધારકોનું ક્રોસ ચેકીંગ તથા રેશનકાર્ડ ધારકોના જવાબો લેવાયા બાદ તપાસને અંતે મોટાપાયે ગેરરીતિ ઝડપાતા નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીએ દેવરામભાઇ દાદુભાઇ વસાવા સંચાલીત પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારનો પરવાનો તથા અધિકારપત્ર કાયમી ધોરણે રદ કરવાનો હુકમ કર્યો છે.તેમજ અનાજ ખાંડ તેલ અને કેરોસીન નો જંગી જથ્થો સગેવગે કરવા બદલ દુકાનદાર ને રૂા.૧,૨૩,૪૨૯નો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર અરજદાર રાયસીંગભાઇ ગીરીશ ભાઇ વસાવાએ તા.૦૧-૦૭-૨૦૨૦ ના રોજ દેડીયાપાડા તાલુકાના ઉમરાણ ખાતે કાર્યરત દેવરામભાઇ દાદુભાઇ વસાવા સંચાલીત પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાં ચાલતી ગેરરીતી બાબતે આ કચેરીને ફરીયાદ કરી હતી અને મામલતદાર દેડીયાપાડા દ્વારા તેની તપાસ કરાઈ હતી.  પીએમજીકેવાય યોજનાના ચોખા રેશનકાર્ડ ધારકોને એપ્રિલ તથા મે-૨૦૨૦માં આપવામાં આવ્યા ન હતા તથા ઓફલાઇન મેન્યુઅલી એન્ટ્રી કરી આ જથ્થો સગેવગે કરેલ હોવાનુ જણાયુ હતુ.

 દુકાનદાર જાતે દુકાનનું સંચાલન કરતો ન હતો પરંતુ દુકાનદાર દ્વારા ખાનગી ઓપરેટર મુઝફફરઅલી મકરાણી સંચાલન કરતો હોવાનુ જણાયેલ જે ગ્રાહકોને પુરેપુરો મળવાપાત્ર જથ્થો આપતો નહોતો ગ્રાહકોને મળવાપાત્ર જથ્થાની ફુડ કુપન પણ જે તે ગ્રાહકને આપવામાં આવતી ન હતી. જેથી મામલતદાર દેડીયાપાડા દ્વારા દુકાનની વિગતવાર તપાસ કરવામાં આવેલ જે અંગે ક્રોસ ચેકીંગ કરતા દુકાનદાર દેવરામભાઇ દાદુભાઇ વસાવા જાતે દુકાન ચલાવતા ન હોવાથી તથા રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર પુરતો આવશ્યક ચીજવસ્તુનો જથ્થો આપતો ન હતો. દુકાન કામકાજના કલાકો દરમ્યાન ખોલતો ન હોવાનું બહાર આવ્યું હતું.

 ખાસ તો વેચાણ થયેલ જથ્થા માં ૭૩ જેટલા રેશનકાર્ડ ના ગ્રાહકો નું ક્રોસ ચેકીંગ તથા રેશનકાર્ડ ધારકોના જવાબ લેતા ઘઉં ચોંકાવનારી બાબત સામે આવી હતી જેમાં ૩૭૮૩ કિ.ગા, ચોખા-૧૮૮૨ કિ.ગ્રા,ખાંડ-77 કિ.ગ્રા,ચણા/ચણાદાળ-60 કિલો મીઠું-60 કિ.ગ્રા તથા કેરોસીન-૩૩ લીટર જેટલો જથ્થો રેશનકાર્ડ ધારકોને ઓછો આપી સગેવગે કરેલાનું જણાતા દેવરામભાઇ ચંદુભાઇ વસાવા સંચાલીત પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર(સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન)નો પરવાનો તથા અધિકાર પત્ર કાયમી ધોરણે રદ કરી અને પરવાના તથા અધિકાર પત્ર અન્વયેની પુરેપુરી ડીપોઝીટની કુલ રકમ રૂા.૫ooo તેમજ ૭૩ રેશનકાર્ડમાં ક્રોસ ચેકીંગમાં સગેવગે કરેલ ઘઉ–૩૭૮૩ કિ. ગ્રાની કિમંત રૂા.૧૮ લેખે રૂા.૬૮૦૯૪ચોખા- ૧૮૮૨ કિ.ગાની કિમંત રૂા.૨૨ લેખે રૂ.૪૧૪૦૪,ખાંડ-૭૭ કિ.ગ્રાની કિમંત રૂા.33 લેખે રૂા.૨૫૪૧ તથા ચણાદાળ- 60 કિલોની કિમંત રૂ.૮૦ લેખે રૂ.૪૮O0 મીઠું-60 કિ.ગ્રાની કિમંત રૂ.10 લેખે રૂ.600- તથા કેરોસીન-33 લીટરની કિમંતરૂા.30લેખે રૂા.૯૯0 મળી કુલ રૂ.૧,૨૩, ૪૨૯નો દંડ ફટકારતા દુકાનદારોમા ભારે ફફડાટ ફેલાયો જોવા મળ્યો છે.

(4:38 pm IST)