ગુજરાત
News of Wednesday, 14th August 2019

જેનરિક દવાને પ્રોત્સાહન આપે ;ડોકટરો દ્વારા ઉપયોગ વધે અને લોકોને સસ્તી દવાના લાભ માટે હાઇકોર્ટમાં પિટિશન

ડોક્ટર દ્વારા લખાયેલી બ્રાન્ડેડ દવાઓ માટે આશરે 90% સુધી વધુ રૂપિયા ચુકવવા પડે છે.

અમદાવાદ ;જેનરિક દવાને સરકાર દ્વારા પ્રોત્સાહન મળે અને ડોકટરો પણ જેનરિક દવા લખી આપવા પ્રેરિત થાય તેમજ લોકોને સસ્તી દવા મળી રહે તે માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે  તમામ દવાની દુકાનો પર મળતી બ્રાન્ડેડ દવાઓની જેમ જ જેનરિક દવાઓ પણ મળી રહે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે.
   ગુજરાતમાં 10 હજારથી વધુ દવા બનાવતી, વિતરણ કરતી અને દવાઓનું માર્કેટિંગ કરતી કંપની મૌજુદ છે. ત્યારે જેનરિક દવાઓ 30% થી લઈને 90% સસ્તી હોવા છતાં જેનરિક દવાઓનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને નથી મળી રહ્યો. જેનરિક દવાઓનો ડોક્ટર દ્વારા ઉપયોગ વધે સરકાર વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરે જેનરિક દવાને પ્રોત્સાહન આપે અને જાગૃતિ કેળવે તે ઉદ્દેશથી અરજદાર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

ખાનગી-કોર્પોરેટ ક્ષેત્રના નિરંકુશ પ્રભાવને કારણે જેનરિક દવાઓ દર્દીઓ અને તેમના પરિવારજનો સુધી ન પહોંચતી હોવાનું સત્ય સૌ કોઈ જાણે છે. ડોક્ટર દ્વારા જ્યારે પણ દર્દીને બ્રાન્ડેડ દવા લખીને આપવામાં આવે છે ત્યારે જેનરિક દવાઓની જાણકારીના અભાવે ગરીબ દર્દીઓનું આર્થિક રીતે શોષણ તો થાય છે તો સાથે જ સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોને ડોક્ટર દ્વારા લખાયેલી બ્રાન્ડેડ દવાઓ માટે આશરે 90% સુધી વધુ રૂપિયા ચુકવવા પડે છે. માટે જ જેનરિક દવાઓ ખરીદી રહેલા લોકોની સાથે ઝી 24 કલાકે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે જેનરિક દવાઓ માત્ર સસ્તી જ નહીં પરંતુ તેમના માટે એટલી ફાયદાકારક રહી છે જેટલી બ્રાન્ડેડ દવાઓ.

 

ડોક્ટરો જાણી જોઈને જેનરિક દવાને બદલે બ્રાન્ડેડ દવાઓ જ લખે છે. સસ્તી જેનરિક દવાને બદલે બ્રાન્ડેડ દવા ડોક્ટર એટલે લખે છે કેમ કે, તેમને ખુદને જ કદાચ જેનરિક દવા અંગે જાણકારી નથી અથવા તો કોઈ ડોક્ટરોનો કોઈ અંગત સ્વાર્થ નડી રહ્યો છે. પરંતુ આનો બોજ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના પરિવારજનોના ખિસ્સા પર પડી રહ્યો છે. જેનરિક દવાઓનું વેચાણ કરતા દુકાનદાર ખુદ કબુલે છે કે 95% ડોક્ટરો દર્દીઓને જેનરિક દવાઓ લખતા જ નથી. માત્ર 5% ડોક્ટરો જ દર્દીઓને જેનરિક દવાઓ લખીને આપે છે અને દર્દીઓના ખિસ્સાનો બોજ હળવો કરતા હોય છે.

(11:43 pm IST)