ગુજરાત
News of Wednesday, 14th August 2019

આદિવાસી વિસ્તારોમાં વધુ સૈનિક સ્કુલ બનશે : વિજય રૂપાણી

સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જાહેરાત : વાસ્તવિક અર્થમાં જ ભારતનો ભાગ બનેલા કાશ્મીર સાથે આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ઉજવાઇ રહ્યો છે : મુખ્યપ્રધાન

અમદાવાદ,તા.૧૪ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનહદ આનંદની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે ૩૭૦ની કલમ અને ૩૫/એ ની નાબૂદીથી હવે સાચા અર્થમાં ભારતનો ભાગ બનેલા કાશ્મીર સાથે સમગ્ર દેશ ૭૩મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિત શાહને આ ઐતિહાસિક કદમ માટે અભિનંદન આપવાની સાથે તેમણે ગુજરાતના યુવાનોને નવી ચેતના અને સમગ્ર તાકાત સાથે દેશ નિર્માણમાં જોડાવા હાકલ કરી હતી. આદિવાસી યુવાનો ખૂબ ખડતલ અને મજબૂત હોય છે. તથા આદર્શ સૈનિક બનવાની ક્ષમતાઓ ધરાવે છે એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે  આદિવાસી યુવાનો ભારતીય સેનાને લાયક બને અને મોટી સંખ્યામાં સેનામાં જોડાય એની સરળતા કરી આપવા માટે રાજયના આદિવાસી ક્ષેત્રોમાં સૈનિક સ્કુલો બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજયના આદિવાસી જિલ્લાઓમાં મેડીકલ કોલેજો બનાવવાના નિર્ણયનો સરકાર સુપેરે અમલ કરી રહી છે અને બનાસકાંઠા, દાહોદ, તાપી, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં મેડીકલ કોલેજીસની સ્થાપના કરવામાં આવી છે. રાજય સરકારે આદિવાસી સમુદાયને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણનો લાભ મળે એના સમુચિત પ્રબંધો કર્યા છે જેના કારણે હવે તબીબો, ઇજનેરો જેવા તમામ ક્ષેત્રોમાં આદિવાસી અનામત બેઠકો ખાલી રહેતી નથી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંડારેલી વિકાસની કેડી પર આગળ વધી રહયું છે. ગુજરાતના યુવાનોને દેશ નિર્માણમાં જોડવાનો રાજય સરકારનો સંકલ્પ છે. આજથી બે દાયકા પહેલા એક જમાનામાં ગુજરાતમાં માત્ર દશેક વિશ્વ વિદ્યાલયો હતા. આજે ૬૦ થી વધુ યુનિર્વસિટીઓ છે અને સ્પોર્ટસ, ફોરેન્સીક સાયન્સ, યોગ, પેટ્રોલીયમ, રેલ્વે જેવા વિશિષ્ટ ક્ષેત્રોનું શિક્ષણ આપતી  યુનિર્વસિટીઓની રાજય સરકારે સ્થાપના કરી છે. જેના પગલે યુવા સમુદાય માટે રોજગારીની અનેકવિધ પ્રકારની તકોનું સર્જન થયું છે. રાજય સરકારે ગયા વર્ષે દોઢ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ આપી છે અને ૩૩ ટકા મહિલા અનામતના કારણે મહિલા સમુદાયને પણ રોજગારી સમુચિત તકો ઉપલબ્ધ થઇ રહી છે. મુખ્યમંત્રીએ કહયું કે કુશળ માનવ સંપદાના ઘડતર માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ ટીમ હેઠળ દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને સુધારેલી એપ્રેન્ટિસ યોજનામાં જોડવાનું રાજય સરકારે આયોજન કર્યું છે. રોજગાર મેળાઓ યોજીને કુશળ યુવાનો રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર બે વર્ષે યોજવામાં આવતાં વાયબ્રન્ટ ગુજરાતથી રોજગારીની વિવિધ તકોનું સર્જન થાય છે.

તેમણે કોલેજમાં પ્રવેશતા યુવાનોને ૩ લાખ ૪જી ટેબલેટ આપવાની યોજનાની સાથે શિક્ષણને વધુ સરળ અને ટેકનોલોજી આધારિત બનાવવા સરકારી કોલેજોમાં ફ્રી વાય-ફાઇના પ્રબંધની માહિતી પણ આપી. રમત-ગમતના ક્ષેત્રમાં વિવિધ સિધ્ધિઓ માટે આદિવાસી રમતવીરોને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આદિવાસી રમતવીરોએ ગુજરાતને નામના અપાવી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતના ખેલ મહાકુંભ એ યુવાનોને રમતા કર્યા છે. તેમણે કહયું કે યુવા ઉત્કર્ષના ચિંતન સાથે સરકાર આગળ વધી રહી છે અને હર હાથ કો કામ.....હર ખેત કો પાની... એ અમારો સંકલ્પ છે. મુખ્યમંત્રી જણાવ્યું કે ગુજરાત દેશ માટે વિકાસનું રોલ મોડેલ બન્યું છે અને દેશને સસ્ટેનેબલ વિકાસનું દિશાદર્શન કરાવી રહી છે. સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડઅપ દ્વારા યુવાનો માટે તકોનું વિપુલ સર્જન કરવામાં આવશે.

(7:50 pm IST)