ગુજરાત
News of Wednesday, 14th August 2019

સુરતના ગોપીપુરામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1 લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત:ગોપીપુરા સ્થિત દેવપ્રાય એપાર્ટમેન્ટમાં આવેલી અરિહંત પબ્લીસીટીમાંથી 80 હજારની રોકડ મત્તા અને ભટારના બંધ ઘરમાંથી 19 હજારની મત્તા તસ્કરો ચોરી ગયા હતા.

નાનપુરા-ટીમલીયાવાડ સ્થિત શ્રીરંગ સોસાયટીમાં રહેતા દિવ્યકાંત શાહ ગોપીપુરા પાણીની ભીત નજીક દેવપ્રાય એપાર્ટમેન્ટમાં અરિહંત પબ્લીસીટી નામે જાહેરાતની ઓફિસ ધરાવે છે. દિવ્યકાંત શાહ બિમાર હોવાથી સુરત નેશનલ કો-ઓપરેટીવ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો તેમનો પુત્ર પ્રણય જાહેરાતનું કામ સંભાળે છે. દરમ્યાનમાં ગત રાત્રે ઓફિસના પાછળના ભાગે લોખંડની ગ્રીલ કાઢી ત્યાંથી બારીમાંથી અંદર પ્રવેશી ઓફિસના ટેબલના ખાનામાં મુકેલા રોકડા 80 હજાર રૃપિયા ચોરી ગયા હતા. ચોરીના બીજા બનાવમાં ભટાર નવજીવન સર્કલ હોમિયોપેથીક કોલેજની ગલીમાં આવેલી સર્વોદય નગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ રીતેશ પ્રકાશ પટેલના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી કબાટની તિજોરી તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મત્તા મળી 19 હજારની મત્તા અને બેંકના ડોકયુમેન્ટસ ચોરી ગયા હતા. ઘટના અંગે અઠવા અને ખટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)