ગુજરાત
News of Wednesday, 14th August 2019

જીલ્લા કલેકટર ઓફીસોના મહેસુલ વિભાગમાં ચાલતા 'વહીવટ' ઉપર લગામ મુકવા તૈયારીઓ

રેવન્યુ રેકોર્ડનું રેન્ડમ ચેકીંગ કરાશેઃ પરીક્ષા પેપર તપાસ જેવી સીસ્ટમ અમલી બનશે : નોન એગ્રી જમીન-જમીન કલીયન્સ માટે ચાલતી 'લેવડ દેવડ' અટકાવવા વિવિધ ટીમો રચાશેઃ ભ્રષ્ટાચાર ડામવા એકશન પ્લાન

અમદાવાદ, તા., ૧૪: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કે જ ેમણે  પોતાની સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવાની બાબતને ટોચની  અગ્રતા આપેલ છે તેઓ મહેસુલ વિભાગમાં બોર્ડ અને યુનિ. લેવલની પરીક્ષાઓમાં પેપર ચેકીંગ થતું હોય છે. એવી જ રીતની એક સીસ્ટમ દાખલ કરવા જઇ રહયા છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની સીસ્ટમ દાખલ કરવાનો હેતુ જીલ્લા કલેકટર ઓફીસોમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપર લગામ મુકવાનો છે.

હાલ જીલ્લા કલેકટર કચેરીઓ પાસે નોન એગ્રીકલ્ચર જમીન અને જમીન કલીયરન્સ માટે પ્રમાણ પત્ર આપવાની સતા છે. વારંવાર એવા આક્ષેપો થતા હોય છે કે પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે વિવિધ સ્તરે 'વહીવટ' થતો હોય છે.

આ વહીવટના દુષણને ડામવા માટે સરકાર ઓફીસરોની એક ટીમ બનાવવા માંગે છે. જે આકસ્મીક રીતે એવા દસ્તાવેજોની ચકાસણી કરશે જે રીજેકટ થયા હોય અથવા તો લાંબા સમયથી પેન્ડીંગ હોય.

આ બાબત સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું છે કે અમને જાણવા મળ્યું છે કે ફાઇલો ઉપર તરફેણ કરતો અભિપ્રાય આપવા જીલ્લા કલેકટર ઓફીસમાં ઓફીસરો જંગી લાંચ લેતા હોય છે. ફાઇલ સાચી હોય અને બધા નિયમોનું પાલન થયું હોય છતાં લાંચ લેવાતી હોય છે.

ઘણી વખત લાંચ માટે ફાઇલો દબાવીને પણ રખાતી હોય છે તેથી સરકાર હવે નક્કી કર્યુ છે કે નોન એગ્રી અને અન્ય અરજીઓનું  ક્રોસ વેરીફીકેશન કરવું કે જે રીતે પરીક્ષાઓના પેપર તપાસવામાં થતું હોય છે. આમાં કોઇ કોઇને ઓળખતા હોતા નથી. જો રેવન્યુ ઓફીસરની ઓળખ અને અરજદારની ઓળખ ગુપ્ત રહે તો ભ્રષ્ટાચારનું પ્રમાણ કે ગેરરીતી ઘટી શકે અરજી અને દસ્તાવેજોને કોડ અપાશે જેમાં અરજદારની વિગત નહી હોય.

સરકાર વિવિધ જીલ્લાઓમાં ચુનંદા ઓફીસરોની નિમણુંક કરશે તેઓ ફીકસ ક્રાઇટેરીયામાંં રહીને દસ્તાવેજ તપાસી શકશે. તેઓ ફાઇલ મંજુર કે રીજેકટ કરી શકશે.

સુત્રોના કહેવા મુજબ એવું આયોજન છે કે રાજકોટની ટીમ અમદાવાદ જઇ દસ્તાવેજોની તપાસ કરશે જયારે અમદાવાદની ટીમ સુરત જઇ દસ્તાવેજોની તપાસ કરશે. આ રીતે ભ્રષ્ટાચાર અને ગેરરીતી ઘટાડી શકાશે.

(1:32 pm IST)