ગુજરાત
News of Wednesday, 14th August 2019

રાજકોટ-જામનગરના યુવાનોની મદદમાં રહેલ વધુ ચાર ભેજાબાજ શખ્સો ઝડપાયા

અમદાવાદ આરટીઓના સોફટવેરમાં ચેડા કરી ગેરકાયદે લાયસન્સો તૈયાર કરવાના રાજયવ્યાપી કૌભાંડમાં નવો વણાંક : સાયબર ક્રાઇમના ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં પીઆઇ વી.બી.બારડ તથા પીએસઆઇ એ.આર.મહીડા ટીમને વધુ એક સફળતા

રાજકોટ, તા., ૧૪: સમગ્ર ગુજરાતમાં  ચકચાર જગાવનાર અમદાવાદની આરટીઓ કચેરીમાં  સારથી-૪ સોફટવેરના આઇડી પાસવર્ડ મેળવી અને તે સોફટવેરમાં લોગીન કરી કુલ ૧ર૦ જેટલા પાછલી તારીખમાં ડ્રાઇવીંગ લાયસન્સ બનાવવાના કૌભાંડકે જેમાં રાજકોટ અને જામનગરના આરોપીઓ સહિત ૪ની ભૂમિકા ખુલવા પામેલ તેવા ચકચારી મામલામાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળની ટીમે વધુ ૪ આરોપીઓને ઝડપી લીધા છે.

અમદાવાદ આરટીઓના મહિલા કર્મચારી દિપ્તીબેન સોલંકીની મદદથી નાતાલની જાહેર રજા દરમિયાન કચેરીઓ બંધ હતી ત્યારે સોફટવેરમાં ચેડા કરી કુલ ૧ર૦ બેકલોગ એન્ટ્રી દ્વારા ડ્રાઇવીંગ લાયસન્સ તૈયાર કરવાનું કૌભાંડ રચવામાં આવેલ છે.

તાજેતરમાં જે વધુ ૪ આરોપીઓ ઝડપાયા છે તેમાં ચિરાગ પટેલ, કરણ મિસ્ત્રી વિગેરેનો સમાવેશ થયો છે. આ સાથે આરટીઓના બનાવટી લાયસન્સો કૌભાંડના આરોપીઓનો આંક ૯ સુધી પહોંચી ગયો છે.

સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન આરટીઓ સોફટવેર કૌભાંડનું આઇપીલોગનું એનાલીસીસ કરવામાં આવતા રાજકોટના સંદીપ મારકણા તથા જામનગરના ગૌરવ  સાપોવડીયાના નામ જે તે સમયે ખુલતા સમગ્ર તપાસ ટીમનું સુકાન સંભાળતા પીઆઇ વી.વી.બારડના માર્ગદર્શન હેઠળની ટીમના પીએસઆઇ એ.આર.મહીડા ટીમ રાજકોટ અને જામનગર સુધી તપાસમાં આવી હતી. આમ અલગ-અલગ માસ્ટરી ધરાવતા આરોપીઓએ એકઠા થઇ એક મહિલાની મદદથી સમગ્ર કૌભાંડ આચર્યુ હતું.

(12:28 pm IST)