ગુજરાત
News of Wednesday, 14th August 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયાના પ્રવાસથી પરત : મહત્વના એમઓયુ

પરત ભર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું : ડાયમંડ તેમજ ટીમ્બર વેપાર ઉદ્યોગો માટે રશિયામાં ખુબ ઉજળી તકો રહેલી છે : સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા યાત્રાએ


અમદાવાદ, તા. ૧૩ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયાના ત્રણ દિવસની સફળ યાત્રા કરીને આજે ગુજરાત પરત ફર્યા હતા. રશિયા પ્રવાસની સિદ્ધિની વાત કરતા રૂપાણીએ કહ્યું હતું કે, રશિયામાં ડાયમંડ અને ટીમ્બરના વેપાર માટેની ખુબ ઉજ્જવળ તકો રહેલી છે. ગુજરાત અને રશિયા વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણી તકો રહેલી છે. સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્રમોદી રશિયાની યાત્રાએ જવાના છે તે પહેલા ભારતીય પ્રતિનિધિમંડળની આ યાત્રા ખુબ ઉપયોગી રહી શકે છે. રૂપાણીએ કહ્યું હતું કે, રશિયા સાથે ભારતના સંબંધો પહેલાથી જ મજબૂત રહેલા છે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં રશિયા પહોંચેલા પ્રતિનિધિમંડળમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી જોડાયા હતા.

        આજે પરત ફર્યા બાદ વિમાની મથકે તેમનું સ્વાગત કરાયું હતું. વિજય રૂપાણી ગુજરાતના ૨૮ જેટલા વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં રશિયાના પ્રવાસે ગયેલા ભારતીય પ્રતિનિધિ મંડળમાં જોડાયા હતા. ભારત અને રશિયા વચ્ચે બહુ લાંબા સમયથી ગાઢ મિત્રતા રહી છે. પાછલા સાત દસકથી રશિયા સાથે ભારતના સંબંધો ભાવનાત્મક રહ્યા છે. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા કરશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગઇકાલે ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર-ઉદ્યોગની વિપૂલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે, રશિયા વિશ્વના સૌથી મોટા હીરાના ભંડાર પૈકીનું એક છે.

          વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમંડ રશિયામાં ઉપલબ્ધ છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, સામાપક્ષે ભારત પણ રફ ડાયમંડ પોલિશિંગ અને કટિંગમાં વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. ગુજરાતમાં ૮૦ ટકા ડાયમંડ પ્રોસેસીંગ થાય છે અને ૯૫ ટકા પ્રોસેસ્ડ ડાયમન્ડ  આખા વિશ્વમાં ભારતમાંથી નિકાસ થાય છે. સુરતમાં વિશ્વની સૌથી મોટી ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ ઇન્ડસ્ટ્રી છે, ત્યારે ડાયમંડ ક્ષેત્રે રશિયા-ગુજરાતની આ ભાગીદારી મહત્વપૂર્ણ ઉપયુક્ત બની રહેશે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી રશિયા પ્રવાસના બીજા દિવસે ઇન્ડિયા રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વેપાર-ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થયા હતા. બશિયાના ડેપ્યુટી પ્રાઇમ મીનીસ્ટર અને ફાર ઇસ્ટર્ન ફેડરલ ડિસ્ટ્રીકટના પ્રેસીડેન્સીયલ એન્વોય યુરી ટુટનેવ આ સેમિનારમાં ઉપસ્થિત હતા.

(9:50 pm IST)