ગુજરાત
News of Wednesday, 14th August 2019

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વર્ષા થવા શક્યતા

દરિયામાં બનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે :ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળશે ૩ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જારી

અમદાવાદ, તા.૧૩ : બંગાળની ખાડી પર સર્જાયેલી લો પ્રેશર સીસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાત રાજયમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા.૧૪ અને ૧૫ ઓગસ્ટ દરમ્યાન ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શકયતા વ્યકત કરાઇ છે. સતત એક અઠવાડીયા સુધી રાજ્યને ધમરોળ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. જો કે હવે ફરીવાર મેઘરાજા ગુજરાત પર મહેરબાન થવાની તૈયારીઓ કરી રહ્યા છે.

       રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઓડીશા અને બંગાળ પર દરિયામાં બનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે. જેને પગલે આવતીકાલે તા.૧૪ અને ૧૫ ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તા.૧૫ ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ નદી-નાળાઓ છલકાયા હોવાથી જો ફરી ભારે વરસાદ પડશે તો રાજ્યમાં પૂરનું સંકટ ઉભું થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે આગામી ત્રણ દિવસ દરમ્યાન માછીમારા ને દરિયો નહી ખેડવા સૂચના આપવામા આવી છે. બીજીબાજુ, રાજયમાં ૪૭ તાલુકાઓમાં ૪૦ ઈંચ, ૯૩ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઈંચ, ૧૦૦ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઈંચ અને ૧૧ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ ૪૮ ટકા વધુ વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.ગત વર્ષે તા.૧૨ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ૪૬૨ મિમી વરસાદ પડ્યો હતો, જેની સામે આ વર્ષે ૬૮૫ મિમી વરસાદ પડી ચૂક્યો છે.

        આજદિન સુધીમાં સરેરાશ ૮૪ ટકા વરસાદ પડતા રાજ્યના ૮ જેટલા ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીજી બાજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં હાલમાં આવેલા પુર બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ખાસ કરીને વડોદરા, મોરબી, સુરેન્દ્રનગરમાં ગંદગીના ખડકલા થયા છે. રોગચાળાનો ખતરો પણ દેખાઈ રહ્યો છે. વડોદરામાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી ચુક્યા છે. વરસાદથી ગુજરાતમાં હજુ સુધી ૩૫થી વધુના મોત થયા છે.

(9:52 pm IST)