ગુજરાત
News of Wednesday, 14th August 2019

ખેડબ્રહ્માના પરોયા ગામની યુવતીની નાયબ કલેકટર તરીકે પસંદગી : ગામમાં ગૌરવભેર એન્ટ્રી :કાર સાથે રેલી કાઢીને અભિવાદન કરાયું

જાહેરમાં કારની સવારી પુર્ણ કર્યા બાદ સિધ્ધિએ પોતાના ઘર નજીક લાઉડ સ્પીકર સાથે સભા સંબોધી

ખેડબ્રહ્માના નાનકડા ગામ પરોયાની યુવતિએ જીપીએસસી પરીક્ષા પાસ કરી નાયબ કલેક્ટર તરીકે પસંદગી થઇ છે જીએએસ કેડરના કલાસવન ઓફીસર તરીકે ગામમાં ગૌરવભેર એન્ટ્રી કરતા સમગ્ર ગામમાં આનંદની લાગણી છવાઈ હતી ગામમાં કાર ઉપર સવારી બાદ પોતાના ઘરની બહાર નાનકડી સભા સંબોધી હતી

  સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામની કુમારી સિધ્ધિ દિનેશભાઇ વર્માએ નામ મુજબ સિધ્ધિ મેળવી છે. તાજેતરમાં પુર્ણ થયેલી જીપીએસસીની ભરતીને અંતે સિધ્ધિ નાયબ કલેક્ટર તરીકે પસંદ થઇ છે. જેનાથી પરિવાર સહિત ગામમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ છે  સિધ્ધિ અને તેના પરિવારજનોએ ગામમાં કાર સાથે સવાર થઇ નાનકડી રેલી કાઢી હતી. જેમાં દલિત સમાજ સહિતના યુવાનો રોમાંચિત બની જોડાયા હતા.

  જાહેરમાં કારની સવારી પુર્ણ કર્યા બાદ સિધ્ધિએ પોતાના ઘર નજીક લાઉડ સ્પીકર સાથે સભા સંબોધી હતી. જયાં યુવાથી માંડી સિનિયર સિટીઝન સહિતના ઉપસ્થિત રહ્યા દરમ્યાન શિક્ષિત થવા અને આકરી મહેનત કરી પરીક્ષા પાસ કરવાની ટિપ્સ આપી હતી. નાયબ કલેક્ટરમાં નિમણુંક થતા ખેડબ્રહ્મા પંથકમાં વધુ એક યુવતિ પરીક્ષાર્થીઓ માટે ઉદાહરણ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(8:46 pm IST)