ગુજરાત
News of Wednesday, 14th August 2019

સ્પીડ ગનના અમલના પહેલા દિવસે ૩ સ્પીડ ગન ખોટકાઈ

પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાઈ ગયો : યુએસ ટેક્નોલોજીની પાંચમાંથી ત્રણ સ્પીડ ગન ખોટકાઈ

અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વાહનની સ્પીડ બાબતે જાહેરનામું બહાર પાડી અને સ્પીડ લિમિટ નક્કી કરી છે.સ્પીડ લિમિટ નક્કી કરવા શહેર પોલીસે ૨૦૧૪માં અમેરિકન ટેક્નોલોજીની સ્પીડ ગન વસાવી હતી. જો કે, પોલીસ પાસે માત્ર પાંચ જેટલી જ સ્પીડગન જ છે. તેમાંથી માત્ર એકાદ બે સ્પીડ ગન ચાલુ છે. હવે બંધ હાલતમાં સ્પીડ ગનથી કેવી રીતે કામગીરી કરવામાં આવશે તેના પર સવાલ છે. આજે ટ્રાફિક પોલીસે એસજી હાઈવે પર આ સ્પીડ લિમિટ ચેક કરવા માટે સ્પીડ ગન દ્વારા તપાસ કરી અને ડ્રાઈવ કરી હતી. પરંતુ જાહેરનામાના અમલના પહેલા દિવસે જ સ્પીડ ગનમાં ટેકનીકલ પ્રોબ્લેમ આવ્યા હતા. સ્પીડ ગનના અમલવારીના પહેલા જ દિવસે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ પોલીસ માટે સર્જાયો હતો. અલબત્ત, પોલીસે ટેકનીકલ ક્ષતિના નિવારણની તાત્કાલિક તજવીજ હાથ ધરી હતી.

       શહેર પોલીસ પાસે પાંચ સ્પીડ ગન છે. ગુજરાતમાં થતા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે માર્ગ અકસ્માતોનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના અકસ્માત માત્ર ઓવરસ્પીડના કારણે થતા હોવાનું સામે આવ્યું છે. ઓવરસ્પીડ ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને કડક કાર્યવાહી કરવા માટે રૂ.૩.૯૦ કરોડના ખર્ચે યુએસ બનાવટની અદ્યતન ટેક્નોલોજી આધારિત ૩૯ સ્પીડગન રાજ્ય સરકારે ખરીદી છે. જેમાંથી પાંચ સ્પીડગન અમદાવાદને ફાળવવામાં આવી છે.  રૂ. ૧૦ લાખની કિંમતની અદ્યતન ટેક્નોલોજી ધરાવતી સ્પીડગન એક હાઈટેક સ્પીડગન છે. જે એક સેકન્ડમાં ત્રણ વાહનોની એક કિલોમીટર દૂરથી જ સ્પીડ માપી શકે છે. આ સ્પીડગનની રેન્જ ૦ થી ૩૨૦ કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માપી શકે તેવી ક્ષમતાની છે. ઓવર સ્પીડ વાહનનાં ચાલકોને પુરાવા સાથે ઈ-મેમો પણ મોકલી શકાશે અને

આ જ સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો મેમો જનરેટ કરીને પણ આપી શકાશે. એટલું જ નહીં આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વીડિયો રેર્કોડિંગ પણ સ્ટોર થતું રહે છે, જેથી ભવિષ્યમાં વાહનચાલક સાથે સ્પીડ બાબતની કોઈ બોગસ તકરાર ઊભી થાય તો પુરાવા પણ સ્પીડ ગનમાંથી જ મળી રહે છે. માર્ચ મહિનામાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પીડ ગન સંબંધિત ત્રણ દિવસ તાલીમનું આયોજન ગુજરાત પોલીસ એકેડમી કરાઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા તમામ જિલ્લામાં ટ્રાફિકને લગતી કામગીરી સંભાળતા ૨૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આવનાર દિવસોમાં હવેથી અદ્યતન, આધુનિક અને પુરાવા સાથેની સ્પીડ ગનથી ગુજરાત રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં ઓવર સ્પીડનાં કેસ કરી કડક દંડનીય કાર્યવાહી કરવાનું ચાલુ કરી ઓવરસ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા ટ્રાફિક વિભાગ પ્રયાસ કરશે.

(8:30 pm IST)