ગુજરાત
News of Wednesday, 14th August 2019

માતાની હત્યાના ગુનામાં પિતાની ધરપકડ: નોધારા બાળકની પોલીસે ઉઠાવી જવાબદારી ;આપ્યો આશરો

એસપી ઓફિસ સામે બાળકને પલંગ અને ગાદલાથી સજ્જ રૂમ ફાળવાયો

વડોદરા :1`ગાજરાવાડીના આઠ વર્ષના માસૂમ બાળકને એસીપી ઇ-ડિવિઝન એસ.જી. પાટિલની ઓફિસમાં 2 દિવસથી આશરો અપાયો છે. આ બાળકની માતાની હત્યા થઇ છે અને દોઢ વર્ષે હત્યા પિતાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે પિતાની ધરપકડ કરી છે. નોંધારા બનેલા બાળકને રાખવા ગરીબ ફોઇએ સાફ ઇન્કાર કરી દીધો. જ્યારે મહેસાણાના ચાણસ્મા ખાતે રહેતાં નાના-નાની દોહિત્રને રાખવા આર્થિક રીતે સક્ષમ નથી એટલે બાળકના ઉછેરની જવાબદારી પોલીસે ઉપાડી લીધી છે.

વડોદરા  એસીપીની  ઓફિસની સામે જ બાળકને રૂમ ફાળવી દેવાયો છે. તેને પલંગ અને ગાદલાથી સજ્જ કરી દેવાયો છે. બાળકને રમવા પોલીસ કર્મચારીઓના રૂમ મેદાનની ગરજ સારી રહ્યા છે. મહિલા પોલીસ કર્મી નોટ-ચોપડા લઇ તેનું ટ્યુશન લઇ રહ્યાં છે, જ્યારે અન્ય ખાખીધારીઓ બાળક સાથે રમત સાથે પલાખાં પણ કરી રહ્યા છે

માતાની હત્યામાં પિતાને જેલ થશે તેવી વાત સાંભળી ડૂમો ભરાયેલું બાળક ખાખીધારીઓ વચ્ચે ડર કે ગભરાટ વગર ધીરે ધીરે પરિવારની જેમ ભળી રહ્યું છે. બાળકને જમવા માટે સવાર-સાંજ ટિફિનની વ્યવસ્થા કરી દેવાઇ છે. એક પોલીસ કર્મી આજે મંગળવારથી બાળકને સ્કૂલે લેવા-મૂકવા પણ જશે. 10-15 દિવસની કામચલાઉ વ્યવસ્થા બાદ બાળકને સુવિધા યુક્ત હોસ્ટેલમાં મૂકાશે. તેનો ખર્ચ પણ પોલીસ અધિકારી જ ઉઠાવશે. માતાની હત્યામાં પિતાની પોલીસે ધરપકડ કરતા નોંધારા બનેલા બાળકને પોલીસે આશરો આપ્યો છે. બાળકને મહિલા પોલીસ કર્મી ટયૂશન કરાવે છે.

(8:08 pm IST)