ગુજરાત
News of Tuesday, 14th August 2018

પાટણના સિદ્ધપુરની હોટલમાં મહેસાણાના યુવકનો આપઘાત :આઠ પાનાની સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરોનો માનસિક ત્રાસનો ઉલ્લેખ

ત્રણ ટકા વ્યાજે લીધેલા 1,50 લાખનું 5,10 અને છેલ્લે 20 ટકા સુધી વ્યાજ વસૂલયુ :ગાડી પણ પડાવી લીધી

પાટણના સિદ્ધપુરમાં આવેલી હોટલ ઝમઝમમાં મહેસાણાના એક યુવકે હાથની નસ કાપીને બાદમાં ઝેર પીને આપઘાત કર્યો છે આપઘાત પહેલા યુવકે આઠ પાનાની એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં આપઘાત પાછળનું કારણ વ્યાજખોરોનો માનસિક ત્રાસ હોવાનું લખ્યું છે.

   સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે બે શખ્સો તરફથી રૂ. 1.50 લાખના વ્યાજપેટે 10થી 20 ટકા વ્યાજ પડાવવામાં આવી રહ્યું હતું. યુવકે આક્ષેપ લગાવ્યો છે કે વ્યાજખોરોએ તેની ગાડી પણ પડાવી લીધી હતી. વ્યાજખોરના ચક્રમાં ફસાયા બાદ તેણે આપઘાત કરી લીધો હતો. યુવકને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 

નિરવ શુક્લ નામના યુવકે રવિવારે સિદ્ધપુરમાં આવેલી હોટલ ઝમઝમ ખાતે એક રૂમ બુક કરાવ્યો હતો. નિરવ મૂળ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામનો વતની છે. હાલ તે મહેસાણાના ધરમ સિનેમા પાછળ આવેલા શિવસાગર ફ્લેટમાં રહેતો હતો. હોટલ ખાતે જ તેણે હાથ પર બ્લેડના કાપા મારીને બાદમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. 

   સોમવારે યુવકે હોટલનો દરવાજો ન ખોલતા તપાસ કરતા તે લોહીલુહાણ હાલતમાં રૂમમાંથી મળી આવ્યો હતો. બાદમાં તેને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. 

   નિરવે સુસાઇડ નોટમાં લખ્યું છે કે તેણે ટ્રાન્સપોર્ટના ધંધા માટે સંદિપ પટેલ પાસેથી ત્રણ ટકા લેખે વ્યાજે પૈસા લીધા હતા. બાદમાં સંદિપ પટેલે પાંચ, દસ અને છેલ્લે વીસ ટકા વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. સુસાઇડ નોટના જણાવ્યા પ્રમાણે છેલ્લે તે દોઢ લાખનું મહિને રૂ. 30 હજાર વ્યાજ ચૂકવતો હતો.

(3:22 pm IST)