ગુજરાત
News of Tuesday, 14th August 2018

ઓટો ઇન્ડસ્ટ્રીને મળશે વેગ : ગુજરાતને મળ્યો પહેલો ઓટોમોબાઇલ સેઝ

HBS ફાર્મા સેઝ પ્રાઇવેટ લિમિટેડને પોતાનું સેકટર સ્ટેટસ બદલીને ઓટોમોબાઇલ ઓટોમોબાઇલ એન્સિલરી એન્ડ એન્જિનિયરીંગ કરવાની મંજૂરી મળી ગઇ

અમદાવાદ તા. ૧૪ : ગુજરાતથી થતી ઓટોમોબાઈલ અને તેને લગતી નિકાસને હવે વધારે વેગ મળશે, કારણકે રાજયને પોતાનું પહેલું ઓટોમોબાઈલ સેઝ(SEZ- સ્પેશિયલ ઈકોનોમિક ઝોન) મળશે. HBS ફાર્મા સેઝ પ્રાઈવેટ લિમિટેડને પોતાનું સેકટર સ્ટેટસ બદલીને ઓટોમોબાઈલ, ઓટોમોબાઈલ એન્સિલરી એન્ડ એન્જિનિયરિંગ કરવાની મંજૂરી મળી ગઈ છે.HBS ફાર્મા સેઝ દ્વારા ભરૂચના પાનોલીમાં આવેલા પોતાના સેઝના સેકટરને બદલવાનો પ્રસ્તાવ મુકયો હતો. કંપનીએ ફાર્માસ્યુટીકલ સેઝનું સ્ટેટસ બદલીને ઓટોમોબાઈલ, ઓટોમોબાઈલ એન્સિલરી એન્ડ એન્જિનિયરિંગ ગુડ્સ કરવાની માંગ કરી હતી. ગુજરાતના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર(SEZ&EOUs) ઉપેન્દ્ર વષિષ્ઠએ જણાવ્યું કે, જૂનમાં થયેલી મીટિંગમાં બોર્ડ ઓફ અપ્રૂવલ દ્વારા સેકટરમાં સુધારો કરવાની આ માંગને મંજૂરી આપવામાં આવી હતી.

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ગુજરાત ભારતમાં ઓટો મેન્યુફેકચરિંગના હબ તરીકેની ઓળખ ઉભી કરી રહ્યું છે ત્યારે HBSનો પાનોલી SEZ કદાચ ગુજરાતમાં ઓટોમોબાઈલ સેકટરનો પહેલો SEZ છે. રાજયમાં ટાટા, ફોર્ડ, સુઝુકી મોટર કોર્પોરેશન, SAICની MG મોટર, હોન્ડા મોટરસાયકલ, સ્કૂટર ઈન્ડિયા, હિરો મોટોકોર્પ જેવી કંપનીઓના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૦૮માં HBSએ પાનોલીમાં ફાર્માસ્યુટીકલ સેઝની સ્થાપના કરવાની મંજૂરી મેળવી હતી. સેઝનો વિસ્તાર લગભગ ૩૦૯ એકર જમીન પર છે. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનો ગુજરાત પ્રત્યેનો રસ જોઈને SEZ ડેવલોપરે નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓ સાથે તેમના મેન્યુફેકચરિંગ યુનિટ સેઝમાં સ્થાપવા બાબતે વાતચીત શરૂ કરી દીધી છે.(૨૧.૧૫)

(1:12 pm IST)