ગુજરાત
News of Monday, 14th June 2021

આદિવાસી ભાષામાં ગીતો તૈયાર કરાવી કોરોના અને રસીકરણ અંગે લોક જાગૃતિ લાવવા પ્રયાસ

તાપી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા નવત્તર પ્રયોગ હાથ ધરાયો

અમદાવાદ :આદિવાસી બહુમતી ધરાવતા તાપી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા નવત્તર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં અહીં વસતા લોકો કોરોનાની મહામારીની ગંભીરતા સમજે, કોરોનાની સરકારી ગાઈડલાઈનનું પાલન કરે અને લોકો વધુમાં વધુ રસીકરણ કરાવે તે માટે આદિવાસી ભાષામાં ગીતો તૈયાર કરાવી લોક જાગૃતિ લાવવાની કોશિષ કરાઈ રહી છે.

મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાની મુખ્ય જાતિ ગામીત અને ચૌધરી છે. આ સમાજના લોકો સરળતાથી કોરોનાની ગંભીરતા સમજી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે, કોરોના પ્રતિરોધક રસી લે તે ઉદેશ્યને ધ્યાનમાં રાખી તાપી પોલીસની પ્રેરણાથી સ્થાનિક કલાકારો દ્વારા માત્ર બે-જ દિવસમાં ગામીત અને ચૌધરી ભાષામાં કોરોના જાગૃતિ અંગેના ગીતની રચના કરવામાં આવી છે. જે આ વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રચલિત થઈ રહ્યું છે.

તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુના અનુદાનથી નવત્તર અભિગમ અપનાવીને તાપી જિલ્લાની સ્થાનિક આદિવાસી બોલી ગામીત અને ચૌધરી ભાષામાં કોરોનાથી બચવા માટેનો સંદેશો આપતા ગીતો તૈયાર કરાવવામાં આવ્યા છે.

વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા જ્યારે કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે, ત્યારે તેવા સંજોગોમાં નાનામાં નાના, દૂર અંતરિયાળ ગામોના લોકો સુધી કોરોનાની ગંભીરતા વિશે સરકારી ગાઈડલાઈનની માહિતી પહોંચે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

સ્થાનિક ભાષામાં તૈયાર કરેલા ગીતોમાં કોરોના ગાઈડલાઈન તેમજ તેની લાગતી માહિતી તેમજ રસીકરણ અંગેની સકારાત્મક વાતો સાંકળી લેવામાં આવી છે. અને તાપી જિલ્લા પોલીસ વિભાગની આ કામગીરીના સૌ-કોઈ વખાણ કરી રહ્યા છે.

(9:43 pm IST)