ગુજરાત
News of Monday, 14th June 2021

ડીસા : કચરાના ઢગલામાંથી વૃદ્ધ મહિલા મળી આવી

નિષ્ઠુર પરિવારે રઝળતી મૂકી દીધા હોવાનો અંદાજ : વૃદ્ધને હિન્દુ યુવા સંગઠનની ટીમે સ્વસ્થ કરી, ચા નાસ્તો કરાવી ૧૦૮ વાનની મદદથી સારવાર અર્થે ખસેડી હતી

બનાસકાંઠા,તા.૧૪ : બનાસકાંઠાના ડીસામાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. આજે કચરાના ઢગલામાંથી એક શારીરિક અને માનસિક રીતે અશક્ત વૃદ્ધ મહિલા મળી આવી હતી. પરિવાર દ્વારા તરછોડાતા કચરાના ઢગલામાંથી મળી આવેલ વૃદ્ધ મહિલાને હિન્દુ યુવા સંગઠનની ટીમે સ્વસ્થ કરી, ચા નાસ્તો કરાવી ૧૦૮ વાનની મદદથી સારવાર અર્થે ખસેડી હતી.

ડીસામાં કોઈ નિષ્ઠુર પરિવારના લોકોએ વૃદ્ધાને ડીસાના હવાઈ પિલ્લર મેદાન પાસે કચરાના ઢગમાં ફેંકી દીધા હતા. કચરાના ઢગમાં કણસતી હાલતમાં પડી રહેલા વૃદ્ધા અંગેની જાણ હિન્દુ યુવા સંગઠનને થતા સંગઠનના નીતિનભાઈ સોની સહિત કાર્યકરોએ વૃદ્ધાને કચરાના ઢગમાંથી ઉઠાવી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની મદદથી સારવાર અર્થે પાલનપુર મોકલી આપ્યા હતા.

જ્યા પાલનપુરમાં જનસેવા પ્રભુસેવા સંસ્થાના કાર્યકરો જયેશભાઇ સોની અને નરેશભાઈ સોનીએ ક્રોમા સેન્ટરમાં દાખલ કરાવી જવાબદારી ઉપાડી હતી.

કળિયુગમાં માવતરને રસ્તે રઝળતા કરી દેવાય અથવા વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાય તેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે પરંતુ ડીસામાં કોઈ પરિવારે વૃદ્ધાને કચરામાં ફેંકી દેતા ધૃણા સ્પદ કિસ્સામાં લોકોએ વૃદ્ધાને કચરામાં ફેંકી દેનાર પરિવારના લોકો સામે રોષ ઠાલવ્યો હતો. સેવાભાવી કાર્યકરોએ વૃદ્ધાનું નામ પુછતા તેમણે કમળાબેન બાબુલાલ જણાવ્યું હતું. જેથી સંસ્થાના કાર્યકરોએ સમાજ કલ્યાણ વિભાગ તેમજ પોલીસને જાણ કરી તેમના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

(9:38 pm IST)