ગુજરાત
News of Monday, 14th June 2021

પ્રજાની નારાજગી, કેજરીવાલની મુલાકાત અને પાટીદારોનો પાવર ભાજપને નડશે ?

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આમ આદમી પાર્ટીના અન્ય મોટા નેતાઓ ગુજરાતમાં આવશે

નવી દિલ્હી,તા. ૧૪: ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળા રહ્યો છે. રાજયમાં અત્યારથી જ આગામી વર્ષે આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીના ભણકારા સંભળાઇ રહ્યા છે. રાજયની રાજનૈતિક પાર્ટીઓ અને નેતાઓ અત્યારથી ચૂંટણીની તૈયારીઓમાં લગ્યા છે. ૨૦૨૨ની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામશે.  આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ જ નહીં, આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. ભાજપે કમલમમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે.

આ બધા વચ્ચે હવે આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. સુરતમાં આપની દમદાર એન્ટ્રી બાદ કેજરીવાલ માટે ગુજરાતમાં તક છે. આ જ કારણસર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પાર્ટીની જમીન મજબૂત કરવા માટે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અંદરોઅંદરના વિખવાદમમાંથી ઉંચી નથી આવતી. કોંગ્રેસનું પ્રદર્શન દર વર્ષે કથળતું જાય છે, ત્યારે અત્યારે રાજયમાં લોકો આમ આદમી પાર્ટીને ભાજપની હરિફ ગણી રહ્યા છે.

આપની દમદાર એન્ટ્રી અને અત્યાર સુધીના સારા પ્રદર્શન બાદ હવે કેજરીવાલના આગમનથી ભાજપમાં ગણગણાટ શરૂ થયો છે. પહેલા તો ગુજરાતી પ્રજા પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નહોતો હવે આપ નામે વિકલ્પ ઉભો થતાં કેજરીવાલ પણ મોદી અને શાહને હોમટાઉનમાં ઘેરવામાં સક્રિય થયા છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર હોવા છતાં પણ ત્યાં સ્વતંત્રતા નથી. મોદી અને શાહે કેજરીવાલને છૂટ આપી નથી. જેનો રાજકીય બદલો તેઓ ગુજરાતમાં લે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો આપ સાથે જોડાય તેવી પણ સંભાવના છે.

અત્યાર સુધી એવું હતું કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાતા હતા. જયારે છેલ્લા થોડા સમયથી ભાજપના નેતાઓ અને કાર્યકરો આપમાં જોડાઇ રહ્યા છે. આવતી કાલે પણ અમદાવાદમાં કેજરીવાલની હાજરીમાં અનેક લોકો આપમાં જોડાય તેવી શકયતા છે. આ સિવાય જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આમ દમી પાર્ટીના અન્ય મોટા નેતાઓ ગુજરાત આવશે.

એક તરફ કોરોનાની સ્થિતિમાં રાજયની વર્તમાન ભાજપ સરકાર કથિત રીતે સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે, જેના કારણે પ્રજામાં રોષ છે. તો બીજી તરફ ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી માટે ૧૮૨ સીટનું લક્ષ્ય રાખીને આગળ વધી રહી છે. તો આ તરફ  પાટીદાર આગેવાનોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માંગ્યુ છે. રાજકીય ઘમાસાણ વચ્ચે કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે એવો સવાલ ઉભો થયો છે કે પ્રજાનો રોષ, કેજરીવાલની એન્ટ્રી અને પાટીદારોનો પાવર ભાજપ પર ભારે પડશે?

(10:11 am IST)