ગુજરાત
News of Thursday, 14th June 2018

તીવ્ર ગરમી વચ્ચે રોડના ડામર ઓગળ્યા : લોકો ભારે પરેશાન

અખબાર સર્કલ પાસે બુટ ડામરમાં ખુંપી ગયાઃ તંત્રની આડેધડ, ઢંગધડા વિનાની કામગીરીને લઇ લોકોએ આક્રોશ વરસાવ્યો : વિવાદ ખાળવા તરત રેતી નંખાવાઇ

અમદાવાદ, તા.૧૪: ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો ગણાઇ રહ્યા છે ત્યારે અમદાવદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં પેચવર્ક, ટસ્ટીંગ, ડામર પાથરવા સહિતની જે કામગીરી કરાઇ તેમાં આડેધડ અને ઢંગધડા વિનાની ઉતાવળે કામગીરી કરી વેઠ ઉતારી હોવાની પ્રતીતિ કરતાં કિસ્સા સામે આવ્યા છે. શહેરના અખબારનગર સર્કલ, શિવાનંદ આશ્રમથી જજીસ બંગલો રોડ સહિતના કેટલાક માર્ગો પર આડેધડ અને બિલકુલ વાહિયાત રીતે પાથરેલો ડામર રસ્તા પર પીગળીને ઉપસી આવ્યો હતો અને તેના કારણે રાહદારી નાગરિકોના બુટ-ચંપલ ચોંટવાથી માંડીને વાહનોના ટાયર અંદર ખૂંપી જતા હતા. ઝડપથી આવતા વાહનો રીતસરના પીગળેલા ડામરમાં અટવાઇ પડતા હતા અને ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયા હતા. આખરે સમગ્ર મામલાની ફરિયાદ અમ્યુકો સત્તાધીશો સુધી પહોંચતા તેઓએ તાત્કાલિક પીગળેલા ડામર પર રેતીના ટ્રેકટર નંખાવી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. બીજીબાજુ, આવી અણઘડ આયોજન વિનાની કામગીરી અંગે અમ્યુકો સત્તાધીશો લૂલો બચાવ કરતાં જોવા મળ્યા હતા કે, હાલ કેટલાક વિસ્તારોમાં ડસ્ટીંગ, પેચવર્કની કામગીરી ચાલી રહી છે અને અમુક જગ્યાએ ડામર પણ પાથરવામાં આવ્યો છે પરંતુ ભારે ગરમીના કારણે ડામર પીગળી જવાથી તે રસ્તા પર ઉપસી આવ્યો હશે. અમદાવાદ શહેરમાં ચોમાસાનાં આગમનની ઘડીએ ગણાઇ રહી છે ત્યારે સફાળા જાગેલા મ્યુનિસિપલ તંત્રએ રસ્તાઓના પેચવર્કનું કામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે. ઝડપથી કામ પૂરું કરવાની લ્હાયમાં બની રહેલા ઉબડખાબડ પેચવર્કના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. કેટલાક રસ્તાઓ પર રોડ બનાવી દીધા પછી ડસ્ટિંગ કરવાનું રહી જાય છે તો ક્યાંક ઓછું ડસ્ટિંગ થવાના કારણે ડામર સપાટી પર આવી જાય છે. આવી ફરિયાદોના પગલે હવે તંત્રએ વધુ ને વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. ગઇકાલે  શહેરના અખબારનગર સર્કલ, સત્તાધાર ચાર ચાર રસ્તા, ઇસરો-શિવાનંદ આશ્રમથી જજીસ બંગલા રોડ પરના દોઢ કિ.મી.ના રસ્તા પર તંત્રએ નાના મોટા ચારથી પાંચ પેચ કરી નાખ્યા આટલું ઓછું હોય તેમ રોડના પેચવર્કની ઉપર ડબલ ડસ્ટિંગ કે કયાંક ઓછુ ડસ્ટીંગ કરી દેતાં કેટલાય ટુ-વ્હીલર વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. તો અખબારનગર સર્કલ પરના રોડ પર તો રાહદારી નાગરિકોને ચાલવુ મુશ્કેલ બન્યું હતું કારણ કે, પગમાં પહેરેલા બુટ-ચપ્પલ રીતસરના રોડમાં જ ડામરમાં ચોંટી જતા હતા અને આપોઆપ પગમાંથી નીકળી જતા હતા. લોકોએ તંત્રની આવી અણઘડ કામગીરીને લઉ ઉગ્ર આક્રોષ ઠાલવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પેચવર્ક કરાયા બાદ લેવલિંગનું સહેજ પણ ધ્યાન ન રખાતાં રસ્તો ડિસ્કો રોડ બનાવી દેવાયા છે. લેવલિંગ કર્યા વગર રોડ રિસરફેસ કરાતા હોવાના કારણે રસ્તાઓ ઊબડખાબડ બન્યા છે. રસ્તા પર આડેધડ ડામર પાથરીને રોડ લેવલ કરતા ઊંચા પેચવર્ક કરાતાં નાના બમ્પ જેવી સ્થિતિ સર્જાઇ છે. કામ પૂરું થઇ ગયું હોવાનો સંતોષ માનતા તંત્રના કર્મચારીઓને લોકોની ચિંતા નથી તેઓ પોતે પણ જો ટુ-વ્હીલર લઇને નીકળે તો ચોક્કસ ફસકી પડે પરંતુ સરકારી એસી ગાડીમાં ફરતા બાબુઓને સામાન્ય લોકોની તકલીફો નહીં દેખાય, તેથી એક વખત જાતે આવા રસ્તાઓની મુલાકાત ચાલતા અથવા ટુ વ્હીલર પર લે તો કદાચ તેમને આખીય સ્થિતિ સમજાય.

(9:52 pm IST)