ગુજરાત
News of Thursday, 14th June 2018

અમદાવાદ અને સુરતમાં મેયર તરીકે પાટીદાર ચહેરાને તકઃ અમદાવાદમાં બીજલબેન પટેલ, સુરતમાં ડો. જગદીશ પટેલઃ ભાવનગરમાં મેયર તરીકે મનહરભાઇ મોરીઃ રાજપૂત ઉમેદવારની પસંદગી

ગાંધીનગરઃ અમદાવાદ, સુરત અને ભાવનગરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને સુરતમાં મેયર તરીકે પાટીદાર ચહેરાની  પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભાવનગરમાં રાજપૂત ચહેરાની પસંદગી કરવામાં આવી છે.  મેયરની સાથે સાથે ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ: અમદાવાદના નવા મેયર તરીકે પાટીદાર બિજલબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અમોલ ભટ્ટની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે રાજુભાઈ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહની વરણી કરવામાં આવી છે.

ભાવનગરઃ ભાવનગરમાં મેયર તરીકે મનહર મોરીની વરણી કરવામાં આવી છે.  ડેપ્યુટી  મેયર પદે અશોક બારૈયાની વરણી કરવામાં આવી છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. અગાઉ એવી ચર્ચા હતી કે મેયર તરીકે નીમુબેન ફરી હેટ્રીક મારશે.  રાજ્યના પ્રધાન વિભાવરીબેન જાહેરમાં નીમુબેન હેટ્રિક મારે એવું કહી ચુક્યા હતા.

સુરતઃ સુરતના મેયર તરીકે ડો. જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે નીરવ શાહની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે આ વખતે સૌરાષ્ટ્ર લોબી અને સુરતની લોબી વચ્ચે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ અને મેયર પદને લઈને ભારે રસાકરી થઈ હતી. અંતે મેયર પદ સૌરાષ્ટ્ર લોબીના ફાળે અને સ્ટેન્ડિંગ ચેરમેનનું પદ સુરતી લોબીના ફાળે ગયું હતું.

(4:57 pm IST)