ગુજરાત
News of Thursday, 14th June 2018

B ગ્રુપના છાત્રોને ઈજનેરી કોર્ષમાં પ્રવેશ માટે તકઃ ગણીતની પરીક્ષાની જોગવાઈ

અમદાવાદ,તા.૧૪: ધો.૧૨ સાયન્સીમાં બી ગ્રુપ લેનારા વિદ્યાર્થીઓ પણ હવે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં રજૂ થયેલા પ્રસ્તાવને મંજૂર કરાયા બાદ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ઈજનેરીમાં પ્રવેશનો માર્ગ મોકળો બન્યો છે. ધો.૧૨ બાયોલોજી વિષય સાથે પાસ થયેલો વિદ્યાર્થીએ ગ્રુપમાં જવા માગતો હોય તો તેણે બાયોલોજી સાથે પરીક્ષા આપી હોય તેના એક વર્ષ પછી ધો.૧૨ની ગણિતની પરીક્ષા આપવાની રહે છે અને તે પરીક્ષા પાસ કરવા સાથે તે ઈજનેરી સહિતનાએ ગ્રુપના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાયક બનશે.

બોર્ડના સભ્ય કેતન પટેલ દ્વારા આ પ્રસ્તાવ બોર્ડની બુધવારે મળેલી સામાન્ય સભામાં રજૂ થયો હતો અને ચર્ચાના અંતે મંજૂર કરાયો હતો.

બોર્ડની સભામાં બોર્ડના સભ્ય કેતન પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ધો.૧૨ સાયન્સમાં બી ગ્રુપ લેનાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં મુખ્ય ત્રણ વિષય તરીકે, ફિઝીકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની પરીક્ષા આપતો હોય છે. પરંતુ જો આ વિદ્યાર્થી ધો.૧૨ બી ગ્રુપની પરીક્ષા પાસ કર્યા બાદ ગણિતની પરીક્ષા આપવા માગતો હોય તો આપી શકતો નથી. જેથી આવા વિદ્યાર્થી બાયોલોજી સાથે ધો.૧૨ પાસ કર્યા બાદ ગણિતની પરીક્ષા આપવા માગતા હોય તો તે પરીક્ષા આપી શકે તેવો ફેરફાર કરવો જોઈએ.

(4:11 pm IST)