ગુજરાત
News of Thursday, 14th June 2018

વિજયભાઈ જ સીએમ છે અને રહેશેઃ જનતાએ ખોટી અફવાઓ ન માનવી-ભાજપ વિરોધી લોકો આવી અફવાઓ ફેલાવે છેઃ હાર્દિક પટેલનું નિવેદન પાયાવિહોણું: નિતીનભાઈ પટેલનો જબરો ખુલાસો

અમદાવાદ, તા. ૧૪ :. ગુજરાતના મુખ્યમંત્રી બદલાઇ રહ્યા અંગે હાર્દિક પટેલના દાવાને લઇને રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાર્દિક પટેલના નિવેદનને ભાજપ દ્વારા પાયાવિહોણું ગણાવાઇ રહ્યું છે. રાજયના ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પટેલના આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, હાર્દિકનો દાવો ખોટો છે. ભાજપ વિરોધી લોકો આવી ખોટી અફવાઓ ફેલાવે છે. વિજયભાઈ રૂપાણીજ સીએમ છે અને રહેશે.

રાજકોટ ખાતે પોલીસ મથકે હાજરી પુરાવવા આવેલ હાર્દિક પટેલે ગુજરાતના સીએમ ૧૦ દિવસમાં બદલાશે એવો દાવો કરતાં ચકચાર મચી જવા પામી છે. ભાજપના નેતાઓ દ્વારા આ દાવાને તથ્ય વગરનો કહેવાઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપની આંતરિક જૂથબંધી સામે આવી રહી હોવાનું કહી રહ્યા છે. આ સંજોગોમાં રાજયના મુખ્યમંત્રી અંગે સ્પષ્ટતા કરતાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, હાર્દિક પટેલનો આ દાવો ખોટો છે. આવું કોઇ રાજીનામું આપ્યુ નથી, ભાજપ વિરોધી લોકો આવી ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. વિજયભાઇ રાજયના મુખ્યમંત્રી છે અને રહેશે.ઙ્ગ

જયારે આ સમગ્ર વિવાદમાં જેનો કેન્દ્રમાં છે એવા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે હું કંઇ જાણતો ન હોવાનું કહી રહ્યા છે. મુખ્યમંત્રી બદલવાની અટકળો ચાલી રહી છે એ અંગે પત્રકારો દ્વારા પુછાયેલા સવાલમાં તેમણે કહ્યું કે, મને આ અંગે કંઇ ખબર નથી.

(4:02 pm IST)