ગુજરાત
News of Thursday, 14th June 2018

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુને છોડીને માતા ફરાર

મહિલાએ તેનું નામ સોનલબેન અને રાજકોટની રહેવાશી હોવાનું લખાવ્યું :પ્રસુતિના બીજા જ દિવસે પુત્રને મૂકીને ભાગી ગઈ

અમદાવાદ: અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુને ત્યજીને માતા ફરાર થઇ છે શાહીબાગ પોલીસે આ મામલે શિશુની માતા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરુ કરી છે.

 આ અંગેની વિગત મુજબ મેમ્કો સર્કલ પાસે તારીખ ૮ જૂનના રોજ એક અજાણી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતાં તે રોડ પર તરફડિયાં મારતી હતી તે સમયે કોઇ રાહદારીએ ૧૦૮ને ફોન કર્યો. ત્યાર બાદ તે મહિલાને સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ વોર્ડમાં દાખલ કરી હતી. જ્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.

  મહિલાએ તેનું નામ સોનલબહેન અજયભાઇ ઠાકોર છે અને રાજકોટની રહેવાસી હોવાનું લખાવ્યું હતું. પુત્રને જન્મ આપ્યા બાદ બીજા દિવસે સોનલબહેન પુત્રને મૂકીને પ્રસૂતિ વોર્ડમાંથી કોઇને કહ્યા વગર ફરાર થઇ ગઇ હતી. પ્રસૂતિ વોર્ડનો સ્ટાફ તેમજ તબીબોએ સોનલબહેનને શોધવા માટે હોસ્પિટલમાં શોધખોળ કરી પરંતુ તે નહીં મળતાં અંતે પોલીસને જાણ કરી હતી.

  શાહીબાગ પોલીસે ૯ જૂનથી સોનલબહેનની શોધખોળ કરતા હતા પરંતુ તે નહીં મળી આવતાં અંતે ગઇ કાલે ગુનો દાખલ કર્યો છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજયસિંહે જણાવ્યું છે કે સોનલબહેનની શોધખોળ ચાલુ છે તેમને સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં અને તેઓ નાસી ગયાં તેના સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે.

(12:16 pm IST)