ગુજરાત
News of Wednesday, 13th June 2018

સટોડિયા પતિના ત્રાસથી ત્રસ્ત પત્નીએ આત્મહત્યા કરી લીધી

કાંકરિયા વિસ્તારમાં ત્રીજા માળેથી કુદીને આપઘાત : પત્નીએ પૈસા આપવાનો ઇનકાર કરતાં પતિએ બે બાળકો સાથે કાઢી મૂકી હતી, ભાઇના ઘેર આવી પત્નીનો આપઘાત

અમદાવાદ,તા.૧૩ : શહેરના કાંકરિયા વિસ્તારમાં આઇપીએલમાં સટ્ટાની લતે ચઢેલા પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પત્નીએ ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પતિએ તેનાં માતા-પિતા સાથે મળીને પત્ની પાસે રૂ.૧૬ લાખ માગ્યા હતા. પત્નીએ રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતાં પતિએ તેને તેનાં બાળકો સાથે કાઢી મૂકી હતી. બિહારમાં પરણેલી યુવતી તેના ભાઇના ઘરે આવી ગઇ હતી, જ્યાં તેણે ગઇકાલે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. મણિનગર પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.  કાંકરિયા પાસે આવેલ રાધે ટાવરમાં રહેતા નિકુંજ હરેન્દ્રભાઇ ગીરીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં બનેવી અને તેમનાં માતા-પિતા વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે નિકુંજની બહેન આરતીનાં લગ્ન વર્ષ ર૦૦પમાં બિહારના છપરા ગામમાં રહેતા સુમંત જયનારાયણ ભારતી સાથે થયાં હતાં. લગ્ન પહેલાં આરતીનાં માતા-પિતાએ સાડા ચાર લાખ રૂપિયા દહેજ પેટે આપ્યા હતા અને ૬ તોલા સોનું સુમંતને આપ્યું હતું. લગ્ન બાદ આરતીએ પુત્રીને જન્મ આપતાં સાસરી પક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને તેની સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું, જ્યારે પુત્રીની દેખરેખ માટે પિયરમાંથી રૂપિયા મંગાવવાનું આરતીને કહેવામાં આવતું હતું. પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળેલી આરતીએ અવારનવાર તેના પિયરમાં જાણ કરી હતી, જોકે ઘર ભાંગે નહીં તે માટે તેને ચુપચાપ ત્રાસ સહન કર્યો હતો. ર૦૧૩માં આરતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો તે સમયે સુમંત આઇપીએલ તેમજ જુગારની લતે ચઢી ગયો હતો. આઇપીએલમાં સટ્ટો રમવાની લતે ચઢેલા સુમંતે આરતીના અને તેમના તમામ દાગીના વેચી માર્યા હતા. થોડાક સમય પહેલાં સુમંતે આરતી પાસે ૧૬ લાખ રૂપિયા માગ્યા હતા. આરતીએ રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતાં તેને તથા તેનાં બે બાળકોને કાઢી મૂક્યાં હતાં. આરતી બંને બાળકો સાથે નિકુંજના ઘરે રહેવા માટે આવી ગઇ હતી. છેલ્લા ઘણા સમયથી સુમંત ૧૬ લાખ રૂપિયાની માગણી કરતો હતો, જેથી કંટાળીને ગઇકાલે મોડી રાતે આરતીએ ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. મણિનગર પોલીસે સુમંત અને પિતા જયનારાયણ, માતા પશુપતિદેવી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે.

(8:10 pm IST)