ગુજરાત
News of Wednesday, 13th June 2018

ફેસબુક પર મોગલ માંઇ અંગે અભદ્ર ટિપ્પણીને લઇ ફરિયાદ

ચારણ ગઢવી સમાજ સહિતના લોકોમાં ઉગ્ર આક્રોશ : અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ઠેર-ઠેર પ્રદર્શન આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી નશ્યત કરવા માંગ

અમદાવાદ,તા. ૧૩ : ચારણ ગઢવી સમાજ સહિત લાખો લોકોને જેમાં અતૂટ શ્રદ્ધા છે તેવા માતાજી આઈશ્રી મોગલ વિશે ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર શખસો વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફેસબુક પર આઈ મોગલ વિશે ટિપ્પણી કરાતાં ચારણ, ગઢવી સમાજ સહિત હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. બીજીબાજુ, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ચારણ, ગઢવી સમાજ સહિતના લોકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓએ વિવિધ સ્થળોએ રેલી-પ્રદર્શનો યોજી વિરોધ વ્યકત કરી આ મામલામાં તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવા ઉગ્ર માંગણી કરી છે. ફેસબુકમાં અપના અડ્ડા નામના ગ્રુપમાં મનીષ મંજુલાબહેન ભારતીય, સદ્દામ મલિક, રાહુલ રવન સહિતની વ્યક્તિઓએ ચારણ ગઢવી સમાજના માતાજી આઈ મોગલ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. ટિપ્પણી કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગને પગલે ચારણ સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ અલગ અલગ જિલ્લામાં સ્થાનિક પોલીસ કમિશનર સહિતના સત્તાવાળાઓને આવેદનપત્રો આપી ટિપ્પણી કરનારા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેઓને સખત નશ્યત કરવા માંગ કરી હતી. ગઇકાલે આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફેસબુકમાં અપના અડ્ડા નામના ગ્રૂપમાં ચારણ સમાજના માતાજી આઈ મોગલ વિશે કેટલાંક અસામાજિક તત્ત્વોએ અભદ્ર કોમેન્ટ કરી હતી. ચારણ સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણીને લઇ ગઈકાલે નોંધાયેલી ફરિયાદ અનુસંધાનમાં હવે સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા છે અને આ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી છે. સોશિયલ મીડિયામાં આઈ મોગલ વિશે અભદ્ર ટિપ્પણીઓને લઇ ભારે ચર્ચા જાગી હતી. ખાસ કરીને ચારણ ગઢવી સમાજના કીર્તિદાન ગઢવી, આદિત્ય ગઢવી, રાજભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, ગીતાબહેન રબારી સહિતના કલાકારો પણ સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી રોષ વ્યક્ત કરી આવા તત્ત્વોની સામેે કાર્યવાહી કરવા અપીલ કરી છે. ફેસબુક પર વિવાદ અને ભારે રોષની લાગણી ફેલાતાં મનીષ મંજુલાબહેન ભારતીય અને અન્ય લોકોએ પોતાના ફેસબુક એકાઉન્ટ પણ ડીલિટ કરી દીધાં હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે હાલમાં આ સમગ્ર પ્રકરણની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(8:09 pm IST)