ગુજરાત
News of Wednesday, 13th June 2018

ઉમરેઠ શહેરની આડ ચોકડી નજીક સુપર માર્કેટની છત પરથી તસ્કરોએ ગલ્લામાં મુકેલ 65 હજારની ચોરી કરી

ઉમરેઠ: શહેરની ઓડ ચોકડી પાસે આવેલા આધાર સુપર માર્કેટની છત પરથી તસ્કરો ત્રાટકીને સુપર માર્કેટના ગલ્લામાં મુકેલા લગભગ રૂા. ૬૫,૦૦૦ રોકડાની ચોરી કરી પલાયન થઇ ગયા હોવાનું જાણવા મળે છે ઉલ્લેખનીય છે કે ઓડ ચોકડી વિસ્તાર સતત વાહનોની અવર જવર થી વ્યસ્ત રહે છે તેવામાં આધાર સુપર માર્કેટમાં ચોરીની ઘટના બનતા સદર વિસ્તારોની અન્ય દુકાનોની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ નિત્ય નિયમ મુજબ આધાર સુપર માર્કેટ ગત રાત્રિના ૧૦ કલાકે બંધ થયું હતુ. આખા દિવસના વકરાના લગભગ રૂા. ૬૫,૦૦૦ તિજોરીના લોકરમાં મુક્યા હતા. જયારે બીજા દિવસે આધાર સુપર માર્કેટના કર્મચારી દિપકભાઇ મકવાણાએ સ્ટોર્સ ખોલ્યો ત્યારે તેઓએ સ્ટોર્સની સીલીંગ પર લગાવેલ પી.ઓ.પી. તુટેલી હાલતમાં જોતા તેઓએ સ્ટોર્સના અન્ય કર્મચારી મિતેષભાઇ પ્રજાપતિને જાણ કરતા તેઓ આધાર સુપર માર્કેટમાં આવી પહોંયા હતા.
જયાં સ્ટોર્સનો માલ-સામાન યોગ્ય જણાયો હતો જયારે તિજોરીમાં મુકેલા રૂા.૬૫,૦૦૦ ગાયબ હોવાને કારણે તેઓએ સ્ટોર્સ મેનેજર વિશાલભાઇને જાણ કરી હતી. આ અંગે મિતેષભાઇ પ્રજાપતિની ફરિયાદને આધારે ઉમરેઠ પોલીસે તસ્કરો નું પગેરું મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)