ગુજરાત
News of Wednesday, 13th June 2018

મોરબીના વિખ્યાત સિરામીક ઉદ્યોગને લાગ્યો હાઇકોર્ટનો મોટો ઝટકો

મોરબીમાં કોલસા આધારિત ગેસીફાયર પર હાઇકોર્ટનો પ્રતિબંધ મુકવામાં આવ્યો

અમદાવાદ તા. ૧૩ : મોરબી તેના સિરામિક ઉદ્યોગો માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે મોરબીના આ જગપ્રખ્યાત ધંધાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે સિરામીક ઉદ્યોગકારોને ગેસીફાયરનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો છે. આ અંગે પર્યાવરણના જતન માટે જીપીસીબીને પગલા લેવા આદેશ આપ્યો છે. તેમજ નવી ટેકનોલોજીના ગેસીફાયર અંગે જીપીસીબીને નિર્ણય લેવા હુકમ કર્યો છે. આમ, મોરબીમાં કોલસા આધારિત ગેસીફાયર પર હાઈકોર્ટનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મોરબી વાંકાનેર વિસ્તારમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રીને લાગતો ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો હવે આવી ગયો છે. જે મુજબ, મોરબી વાંકાનેર રીજીયનમાં ચાલતી સિરામીક ઇન્ડસ્ટ્રીઝ કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ નહિ કરી શકે. કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગ ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે.

કોર્ટ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ આદેશ આપવામાં આવ્યો છે. પર્યાવરણના જતન માટે અને રક્ષણ માટે જરૂરી પગલા લેવા જીપીસીબીને જણાવાયું છે. નવી ટેકનોલોજીથી ચાલતા ગેસીફાયરના ટ્રાયલ રન માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ઉદ્યોગોને તેના માટે છૂટ આપવી કે નહીં તે અંગે પણ gpcb યોગ્ય નિર્ણય લે તેવો કોર્ટે આદેશ કર્યો છે. આમ, સિરામિક ઉદ્યોગ પર આ ચુકાદાની સીધી અસર પડશે.(૨૧.૩૦)

(3:40 pm IST)